1 October 2017

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની 21 જગ્યાએ તપાસ


નવસારીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે શહેરમાં 21 જેટલી ફાફડા-જલેબીની દુકાનોમાં તપાસ કરી તે ખાવાલાયક છે કે કેમ તે અંગેની ચકાસણી અર્થે સેમ્પલ લેતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દશેરાની પૂર્વસંધ્યાએ મોડી સાંજ સુધી ચાલેલી આ કાર્યવાહીને જોતા મોડે મોડે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાગ્યાનો લોકોને અહેસાસ થયો છે. સેમ્પલમાં ગરબડ જણાશે તો તેવા દુકાનદારો સામે કાર્યવાહી કરાશે.

નવસારી શહેરમાં દશેરાની પૂર્વસંધ્યાએ નવસારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અચાનક જાગૃત થઈ ગયો હતો. ફાફડા અને જલેબીની દુકાનોને ટાર્ગેટ કરી આ વિભાગે ઠેર ઠેર ચેકિંગ કરતા સમગ્ર શહેરમાં ફાફડા-જલેબીની દુકાન ધરાવતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

તહેવારના દિવસોમાં જ કોઈ મુશ્કેલીમાં ન પડાય તે માટે મનોમન દુકાનદારોમાં કચવાટ રહ્યો હતો. મળતી માહિતી મુજબ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી સાંજ સુધી આ કાર્યવાહી કરી હતી. તેમાંય સત્તાપીર, સ્ટેશન વિસ્તાર, શાંતાદેવી રોડ, જૂનાથાણા, લુન્સીકૂઈ સહિતની મોટાભાગની ફાફડા અને જલેબીની દુકાનો અને આ ફાફડા તથા જલેબી બનાવનારાઓને ત્યાં તપાસ કરી હતી. શહેરમાં 21 જેટલી જગ્યાએ આ તપાસ કરવામાં આવી હતી અને સેમ્પલ લેવાયા હતા. આ ઉપરાંત સત્તાપીર વિસ્તારની ગલીમાં આવેલી ઉમિયા ફાફડાની દુકાનમાંથી સાડાચાર કિલો જેટલી ચટણીનો નાશ કરાયો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં હાલ કિલો ફાફડાના રૂ. 240 જેટલો ભાવ છે અને જલેબીનો ભાવ રૂ. 140 જેટલો છે. ફાફડા-જલેબીની કિંમત જોતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લોકોનું આરોગ્ય ન જોખમાય તેવા આશય સાથે આ તપાસ શરૂ કરી હોવાનું હાલ લોકો માની રહ્યા છે. જ્યારે દુકાનદારોમાં અનેક મતમતાંતરો શરૂ થયા છે. ફૂડ વિભાગે લીધેલા તમામ સેમ્પલ રાજકોટ ખાતેની લેબોરેટરીમાં મોકલી દેવાયા છે.

સેમ્પલના પરિણામ બાદ કાર્યવાહી
લોકોને ખાવાની વાનગી સારા પ્રમાણમાં મળે છે કે કેમ ? તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે કેમ ? તે અંગે અવારનવાર અમારા વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવે છે. નવસારીમાં પણ વિવિધ જગ્યાએ ફાફડા-જલેબીની દુકાનમાં ચકાસણી કરી સેમ્પલો મેળવાયા છે. સેમ્પલ લેબોરેટરીમાં મોકલી દેવાયા છે. તેના પરિણામ પછી જ કાર્યવાહી કરાશે. - એ.જી. પટેલ, અધિકારી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નવસારી