7 October 2017

નવસારીમાં ઘારીની ઘરાકીમાં 30 ટકા ઘટાડો


નવસારીમાં ચંદની પડવાની ઘારીની ઘરાકીમાં સરેરાશ 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મંદીની સર્જાયેલી સ્થિતિની અસર ઘારીની ઘરાકી ઉપર પડ્યાનું સ્પષ્ટપણે જોવાયું છે.

ચંદની પડવાને દિવસે નવસારીમાં પણ ઘારી ખાવાનું મહત્ત્વ છે. વરસોથી આ દિવસે નવસારીમાં મોટી સંખ્યામાં લોકો ઘારી ઝાપટતા આવ્યા છે. શહેરમા આવેલી મોટાભાગની મીઠાઈની દુકાનોમાં તો ઘારીનું વેચાણ થાય જ છે. સાથે લુન્સીકૂઈ ખાતેના ઘારી બજારમાં પણ ઘારીનું વેચાણ થાય છે. આમ તો ચંદની પડવાના બે ત્રણ દિવસ અગાઉથી વેચાણની શરૂઆત થાય છે પરંતુ છેલ્લા દિવસે ધસારો વધતો આવ્યો છે.

જોકે ચાલુ સાલ ચંદની પડવાની ઘરાકી અગાઉના કેટલાક વરસોના પ્રમાણમાં ફિક્કી જોવા મળી છે. છેલ્લા એક-બે દિવસમાં તો ઘરાકી ન હતી પરંતુ આજે ચંદની પડવાના દિવસે પણ ઘરાકી ઓછી જોવા મળી હતી.

નવસારીની રામ ડેરી ફાર્મવાળા નિરંજન બારોટે જણાવ્યું કે અમે ચાલુ સાલ ઘારીના ભાવમાં વધારો તો કર્યો ન હતો પરંતુ ઘારીની કેટલીક પ્રોડકટો ઉપર 40થી 80 રૂપિયાનો કિલોના ભાવમાં ઘટાડો કર્યો હતો. આમ છતાં ઘરાકીમાં 30થી 40 ટકાનો ઘટાડો દેખાય છે. લોકોની ખરીદશક્તિ ચાલુ સાલ ઘટી ગયાનું જણાય છે.  સ્વીટસાગરવાળા વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું કે અમારે ત્યાં ઘરાકીમાં અંદાજે 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

લુન્સીકૂઈના ઘારી બજારના વેપારી વિજય મંગનાણીએ જણાવ્યું કે સાંજના 5 વાગ્યાના સમયે ઘરાકી શરૂ થઈ જાય છે પરંતુ હાલ દેખાઈ નથી. અમને 30 ટકા ઘરાકી ઓછી રહેવાનો અંદાજ છે.

અહીં ઉલ્લેખનીય છે કે નવસારીમાં ઘારીની ઘરાકીમાં થયેલા ઘટાડાનું કારણ જીએસટીના કારણે આવેલી મંદીને ગણાવાઈ રહ્યું છે. લોકોની ખરીદશક્તિ થોડી ઓછી થઈ છે. કેટલાય ગ્રાહકો જ્યાં 1 કિલો ઘારી લેતા હતા, તે 750થી 800 ગ્રામ બંધાવતા જોવા મળ્યા છે.