12 October 2017

નવસારી જિલ્લાની 4 પાલિકાના કર્મચારીઓ હડતાળ પર


નવસારી પાલિકા

અનેક પડતર માંગણીઓ ન સંતોષાતાં અગાઉથી જાહેર કરેલી જાહેરાત મુજબ કર્મચારીઓ સેવાથી અળગા રહ્યા.નવસારી જિલ્લાની ચારેય નગરપાલિકાના મોટાભાગના કાયમી કર્મચારીઓ આજે બુધવારે હડતાળ ઉપર ઉતરતા પાલિકાની સેવા અસરગ્રસ્ત થઈ હતી. અનેક પડતર માંગણીઓ ન સંતોષાતા અગાઉથી જાહેર કરેલી જાહેરાત મુજબ નવસારી પાલિકાના 300થી વધુ કાયમી કર્મચારીઓએ ે 11મીએ સીએલ મુકી હડતાળ ઉપર ઉતરી ગયા હતા. કર્મચારીઓ ફરજ ઉપર તો હાજર થયા ન હતા પરંતુ સવારથી પાલિકા પટાંગણ નજીક મંડપ બનાવી બેઠા હતા.

વિજલપોર પાલિકામાં પણ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

7મા પગારપંચ સહિતની અનેક માંગના સમર્થનમાં વિજલપોર નગરપાલિકાના પણ 60થી વધુ કાયમી કર્મચારીઓ બુધવારે હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જોકે આ હડતાળ ઉપરના કર્મચારીઓ પાલિકા પટાંગણમાં ધરણાં ઉપર બેઠા હતા અને દેખાવો જરૂર કર્યા હતા. પાલિકાના કરાર આધારિત કર્મચારીઓએ ફરજ ઉપર હાજર રહી કામ બજાવતા આવશ્યક સેવા ખોરવાઈ ન હતી. જોકે કચેરીના વહીવટી કામોને અસર જરૂર થઈ હતી.

પગાર પંચના મુદ્દે બીલીમોરા પાલિકા કર્મચારી હડતાળ પર

સાતમાં પગારપંચ સહીત અનેક મુદ્દાઓ અને માંગણીઓ નહીં સ્વીકારતા બીલીમોરા નગરપાલિકાના કર્મચારીઓ પણ ત્રણ દિવસ હડતાલ પાડી રાજ્યની 162 પાલિકાએ આપેલા બંધને સમર્થન આપી કામગીરીથી અળગા રહ્યા હતા. બીલીમોરા પાલિકાના કાયમી અને સફાઇ કર્મચારીઓ એવા 65 કર્મચારીઓ તા.11-12 અને 13 એમ ત્રણ દિવસ દરમિયાન રાજ્યની 162 નગરપાલિકાઓએ આપેલા હડતાલને સમર્થન આપ્યું હતુ અને હડતાળ પર ઉતર્યા હતા. પોતાની માંગણીઓની રજુઆતો વારંવાર કરવા છતા અને તબક્કાવાર અનેક કાર્યક્રમો પણ આપવા પછી પણ સહકાર દ્વારા કર્મચારીઓના હિત માટે નિર્ણય નહી લેવાયો હતો. આખરે હડતાલના સમર્થનમાં પાલિકાના પણ 65 કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. સામી દિવાળીએ સફાઇ કામગીરી તથા પાલિકાની વહીવટી કામગીરીને ગંભીર અસર પહોંચશે.

ગણદેવી પાલિકાના કાયમી કર્મચારી હડતાળમાં જોડાયા

નગરપાલિકાના કર્મચારીઓની સાતમાં પગારપંચના અમલ સહિતની માંગણીઓની રજૂઆતો છતાં કાને ન  લેવાતા અંતે ત્રીજી વખત ત્રણ દિવસની હડતાળનો આરંભ કરાયો હતો. પાલિકાના કાયમી 32 કર્મચારીઓ હડતાળમાં જોડાયા હોવાનું મંડળના પ્રમુખ જયેશભાઈ વશી અને મંત્રી રાજુભાઈ પટેલે જણાવ્યું હતું. પાલિકા પ્રમુખ આશાબેન ટેલરે જણાવ્યું કે વ્યવસ્થા ન ખોરવાય તે માટે અલાયદી વ્યવસ્થા રાખી છે.