25 October 2017

નવસારી અર્બન ડેવલપમેન્ટ એજન્સીમાંથી 9 ગામો બાકાત કરાયાં


નવસારી અર્બન ડેવલપમેન્ટ એજન્સીમાંથી પૂર્ણા નદી પારનાં ઉત્તર દિશાનાં 9 ગામોને આખરે રાજ્ય સરકારે કાઢી નાંખ્યા છે. સરકારનાં શહેરી વિકાસ વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડી દીધું છે. નવસારી અર્બન ડેવલપમેન્ટ એજન્સી (નુડા)ની રચના ડિસેમ્બર 2015 માં સરકારે કરી હતી. રચનામાં સમયે નુડાનાં હદ વિસ્તારમાં બે શહેરો અને 97 જેટલા ગામોને સમાવવામાં આવ્યા હતા.

જોકે નુડામાં ઘણા ગામોને (ખાસ કરીને ઉડાણનાં) સમાવવામાં આવતા વિરોધ થયો હતો.વિરોધનાં કારણે રાજ્ય સરકારે ઘણા ગામોને બાકાત કરતું નુડાનું નવું જાહેરનામું બહાર પાડ્યું હતુ. આ નવા જાહેરનામાં નુડામાં 24 ગામો અને બે શહેર નવસારી,વિજલપોરને સામેલ કર્યા હતા. ઘણા ગામોને બાકાત કરવા છતાય નુડામાં સમાવિષ્ટ અનેક ગામોનો નુડામાં સમાવવા બાબતનો વિરોધ જારી રહયો હતો.

પૂર્ણા પારનાં 9 ગામોનાં લોકોએ તો સ્થાનિક કક્ષાએ વાંધા વિરોધ રજુ કર્યા સાથે ધારાસભ્ય આર.સી.પટેલ સાથે ગાંધીનગર જઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આ બાબતની રજુઆત પણ કરી હતી.આ રજુઆત ફળી છે. રાજ્ય સરકારનાં શહેરી વિકાસ વિભાગે નુડાનું નવું જાહેરનામું જાહેર કર્યુ છે. આ નવા જાહેરનામા અંતર્ગત નવસારી તાલુકાનાં નુડામાં સમાવિષ્ટ પૂર્ણા નદીપારનાં 9 ગામોને નુડાની હદમાંથી કાઢી નંખાયા છે.

આ નવ ગામોમાં આમરી,કસ્બાપાર,કાદીપોર,ધામણ,પડઘા,આમડપોર,પરથાણ,સરઇઅને વેજલપોરનો સમાવેશ થાય છે. તા.18.10.2017નાં રોજ આ આ જાહેરનામું બહાર પડાયું હતુ. જાહેરનામું દિવાળી પહેલાં કાળી ચૌદશના દિવસે બહાર પડાયું હતુ જેને લઇને નવસારી પંથકમાં નુડામાંથી 9 ગામ કાઢી નંખાયાની વાતો દિવાળીના દિવસોમાં વહેતી પણ થઇ ગઇ હતી.

હાલ બે દિવસથી તો સોશ્યલ મીડિયામાં સરકારનું આ અંગેનું જાહેરનામું સહીસિક્કા સાથેનું ફરતું થઇ ગયું છે.જેથી આ વાત સાચી હોવાની પ્રમાણિત થઇ છે. જલાલપોરનાં ધારાસભ્ય આર.સી.પટેલે પણ સ્વીકાર્યુ કે તેમને નુડાના 9 ગામોને બાકાત કરતા જાહેરનામાનો લેટર મળ્યો છે.

નુડામાં સમાવિષ્ટ શહેર
નવસારી, વિજલપોર

નુડામાં સમાવિષ્ટ ગામો 
ગણેશસીસોદ્રા, એરૂ, હાંસાપોર, છાપરા, દાંતેજ, જમાલપોર, ઇંટાળવા, તીઘરા, કબીલપોર, કાલીયાવાડી, ચોવીસી, વિરાવળ, ધારાગીરી, નસીલપોર, ભટ્ટાઇ.