10 October 2017

નવસારીમાં અદ્યતન રમતગમત સંકુલ રમતવીરોને અર્પણ


નવસારીમાં લુન્સીકૂઈ ખાતે રૂ. 4.75 કરોડના ખર્ચે અદ્યતન રમતગમત સંકુલ રમતવીરોને નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈના હસ્તે અર્પણ કરાયું છે. સાથે નવસારીને વધુ એક નજરાણુ પ્રાપ્ત થયું છે. અદ્યતન સંકુલમાં ઈન્ડોર ગેમ રમી શકાશે. જેનાથી રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ પણ અહીં યોજાઈ શકે છે. ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ તેના લોકાર્પણ પ્રસંગે વિકાસના કામોને વેગ આપવાની બાંયધરી આપી હતી. દિવાળી પૂર્વે તેમણે રૂ. 12.63 કરોડની વિકાસ કામોની શહેરીજનોને ભેટ ધરી છે.


નવસારીમાં સ્પોર્ટસ કોમ્પલેક્સના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે નવસારીને એક આગવી ઓળખ મળે તેવું સુંદર આયોજન કરાયું છે. નવસારી નગરપાલિકામાં બે વર્ષમાં 150થી 200 કરોડના વિકાસ કામો તેની સાક્ષી પૂરશે. વર્ષ 2025 સુધીમાં નવસારી કેવુ હોવું જોઈએ તેની સૂઝબુઝ દાખવી તમામ બાબતનો આવરી લઈ બાયપાસ રસ્તાઓ બનાવવા સહિતના મહત્ત્વપૂર્ણ આયોજન કરાયા છે. જેથી તેનો લાભ નવસારીવાસીઓને મળશે. થકી નવસારીની એક આગવી ઓળખ પણ ઉભી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારીના ધારાસભ્ય બન્યા બાદ વિકાસના કાર્યો પૈકી રસ્તા, પાણી અને ડ્રેનેજની લોકોને સુવિધા મળી રહે અને લોકોનું જીવન સુખાકારી બની રહે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે અમૃત યોજન હેઠળ તુલસીવન, સ્નેહસાગર તથા વિરાંજલી વન ખાતે રૂ. 50 લાખના ખર્ચે ગાર્ડન, અમૃત યોજના હેઠળ શહેરના વિવિધ વિસ્તારમાં રૂ. 492 લખના ખર્ચે પેડેસ્ટ્રીયન પાથ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્તવિધિ પણ કરવામાં આવી હતી. દિવાળી પૂર્વે નવસારી નગરપાલિકાએ રૂ. 12.63 કરોડના વિકાસ કામોની ભેટ શહેરીજનોને આપી છે.અદ્યતન ઈન્ડોર રમતો માટેના સ્પોર્ટસ સંકુલનું નામ પંડિત દિનદયાળ ઉપાધ્યાય સંકુલ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત જલાલપોર ખાતે ટ્રીટમેન્ટ પ્લાન્ટ આઠ માસના ટૂંકાગાળામાં પૂર્ણ કરાશે અને શહેરને ચાર ઝોનમાં વહેંચી તમામને પ્રમાણસર પીવાનું પાણી મળી રહેશે અને જલાલપોર અને રેલવે વિસ્તારના સહિત લોકોને પીવાના પાણીની સુવિધા અંગે ઝાંખી કરાવી હતી.

જલાલપોર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સ્ટેટ ફંડ યોજના અંતર્ગત ૨.૪૫ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૦ એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરીનું નાયબ મુખ્ય દંડક અને જલાલપોર ધારાસભ્ય આર. સી. પટેલે  ખાતમુહૂર્ત કરી પ્રારંભ કરાવ્યો હતો.

કઈ કઈ ઈન્ડોર રમત રમી શકાશે 

લુન્સીકૂઈખાતે રમતગમત સંકુલમાં ઈન્ડોર રમતો જેવી કે કેરમ, ટેબલટેનિસ, પુલ, ચેસ, બેડમિન્ટન જેવી રમતો રમી શકાશે. ઉપરાંત યોગા કલાસ પણ થઈ શકશે. વધુમાં કોન્ફરન્સ રૂમની સુવિધા પણ ઉભા કરવામાં આવી છે. જિલ્લા કક્ષાની ઈન્ડોર ગેમ અહીં રમી શકાય તેવી તમામ સગવડ ઉભી કરવામાં આવી છે. જેના થકી સ્થાનિક ખેલાડીઓને તેનો ફાયદો મળશે.