26 October 2017

દર્દી પર ઓક્સિજનનો બાટલો પડતાં સારવાર દરમિયાન મોત


નવસારીમાં સિવિલ હોસ્પિટલમાં ટીબીની સારવાર લઇ રહેલા દર્દી ઉપર ઓક્સિજનનો બાટલો પડતાં થયેલી ગંભીર ઇજાને પગલે સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.

આ ઘટના અંગે જલાલપોર પોલીસે નોંધ લઇ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં દર્દી પર ઓકસ્જનનો બાટલો કઇ રીતે પડ્યો તે બહાર આવ્યુ નથી. આ અંગે મળતી માહિતી અનુસાર પ્રતિક જયંતિભાઈ વિસાવાડીયા (ઉ.વ.35) ટીબીની બીમારીથી છેલ્લા કેટલાક સમયથી હેરાન થતા હતા. આથી તેમણે નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરી હતી. સારવાર દરમિયાન તેના પગ ઉપર ઓક્સિજનનો બાટલો પડ્યો હતો. જેથી તેને ગંભીર ઇજા થઇ હતી.

તેને નવસારી સિવિલ હોસ્પિટલમાંથી સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. સુરતમાં ખટોદરા પોલીસે તેની નોંધ લીધી હતી અને ત્યારબાદ ત્યાંથી જલાલપોર પોલીસને જાણ કરાતા તેની નોંધ કરી વધુ તપાસ જલાલપોર પોલીસના હે.કો.નિવૃત્તિભાઈએ હાથ ધરી છે.