3 October 2017

ડોક્ટરો સામે અવારનવાર થતી હિંસા અંગે દેશભરમાં એક્ટ બનાવવાની માંગ


ડોક્ટરોને સ્પર્શતા કેટલાક પ્રશ્નો તથા ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટની કેટલીક જોગવાઇ સામે વિરોધ પ્રદર્શિત કરવા નવસારીના તબીબોએ આજે ગાંધી પ્રતિમા નજીક ધારણાં કર્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના નેજા હેઠળ દેશના તબીબો તેમને સ્પર્શતા પ્રશ્નો તથા ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટની કેટલીક જોગવાઇ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. ડોક્ટરો સામે અવારનવાર થતી હિંસા અંગે દેશભરમાં એક્ટ બનાવવાની માંગ કરાઇ છે.

સામાન્ય ક્લેરીકલ યા નાની સરખી ભૂલ સામે કડક પગલાનો વિરોધ છે. ભારેખમ વળતર ચુકવવાની દિશામાં કરાઇ રહેલ તજવીજનો વિરોધ છે. એલાપેથી બ્રાંચ જોડે બીજી બ્રાંચના મર્જરનો વિરોધ કરાઇ રહયો છે. આવી અન્ય કેટલાક માંગો અંગે સરકારે હજુ સુધી નક્કર પગલા લેતા તથા જાહેરાત કરાતા તબીબોએ આંદોલન જારી રાખ્યું છે.

આજે ગાંધીજયંતિના દિવસે નવસારી મેડીકલ એસોસીએશનના નેજા હેઠળ નવસારીના તબીબોએ ફુવારા ગાંધી પ્રતિમા નજીક ધરણા કરી પોતાની માંગ અંગે દેખાવો કર્યા હતા.