13 October 2017

ત્રણ દિવસથી લાપતા પિતા-પુત્રની લાશ નવસારીની અંબિકા નદીમાંથી મળી


હાલ નવસારી તીઘરા અલીફનગરમાં રહેતા અને મૂળ ગણદેવી પટવાશેરીના જાણીતા બગીવાલા પરિવારના અહમદભાઈ બગીવાલાના પુત્ર અને તેના પૌત્ર એ સોનવાડી અંબિકા નદીના પુલ પરથી સાથે પડતુ મુકી જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ હતી.

ગણદેવીના પટવાશેરીમાં રહેતા અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બગીવાલા તરીકે જાણીતા એવા અહમદભાઈ બગીવાલાના 52 વર્ષીય પુત્ર રફીકભાઈ અહમદભાઈ ખલીફા અને 22 વર્ષીય પૌત્ર જૂનેદ રફીકભાઈ ખલીફાએ સોનવાડી અંબિકા નદીના પુલ પરથી પડતુ મુકતા એમની બંનેની લાશ મળી આવી હતી. આમ તો તેઓ ત્રણ દિવસથી લાપત્તા હતા.


તેમનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો. તેમની બાઈક ફ્રીડમ (નં. જીજે-21-એચ-5104) સોનવાડી જૂના પુલ ઉપર મળી આવી હતી. 9મી ઓકટોબરે લગ્નની જાણ કરવા નવસારી ગયા ત્યારે નવસારી તીઘરાના ઘરે તાળુ હતું અને ત્યારથી બંને પિતા-પુત્રનો પત્તો ન હોવાનું ફરિયાદી મોટાભાઈ હનીફભાઈ અહમદભાઈ ખલીફાએ જણાવ્યું હતું પરંતુ ત્યારે કોઈપણ કારણસર બહાર ગયા હોવાનું તેઓએ માન્યું હતું. બાદમાં ગુરુવારના રોજ આ ઘટનાની તેમને જાણ થતા તેઓએ ઘટનાસ્થળે સોનવાડી આવી પિતા-પુત્રની લાશની ઓળખ કરી હતી.

નવસારી શહેરમાં હનીફભાઈ વિવિધ પ્રસંગોએ બગી, ઘોડાગાડી ભાડે આપવાના વ્યવસાય સાથે નવસારીમાં તેઓ જાણીતા રહ્યા છે. આ મૃતક હનીફભાઈનો ભાઈ અને ભત્રીજો છે. મૃતક રફીકભાઈ તેના પરિવાર સાથે તીઘરા અલીફનગરમાં રહે છે અને તે સીડી કેસેટનો ધંધો કરતો હતો.

મૃતકનો નાનો ભાઈ ફરીદભાઈ અને મુનાફભાઈ ગણદેવી પટવાશેરીમાં રહે છે અને બંને ભાઈઓ તેમના બાપદાદાનો પરાપૂર્વથી ચાલી આવતો બગી, ઘોડાગાડીનો વ્યવસાય કરે છે. આ જાણીતા બગીવાલા પરિવારના પિતા-પુત્રએ જીવન ટૂંકાવતા ભારે અચંબા સાથે ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.