17 October 2017

નવસારીના લુન્સીકૂઈ મેદાનનો નજારો બદલાશે


નવસારીના ખૂબ જ જાણીતા લુન્સીકૂઈ મેદાનની આગામી દિવસોમાં નજારો બદલાશે. અંદાજે 91 લાખ રૂપિયાના ખર્ચે નગરપાલિકા જોગીંગ પથ, યોગ્ય બેઠક વ્યવસ્થા વગેરે બનાવશે. નવસારીનું લુન્સીકૂઈ મેદાન શહેરની ઓળખ સાથે સંકળાયેલું છે. આજથી 75વર્ષ અગાઉ પારસી બેરામજી સીરવાઈએ શહેરના રમતગમતના હેતુ માટે આ જગ્યા દાનમાં આપી હતી.

એવું પણ કહેવાય છે કે આ મેદાનનો ઉપયોગ ચોમાસામાં ઢોરને ચરાવવા માટે કરાય એવી શરત પણ રાખવામાં આવી છે. લુન્સીકૂઈ મેદાનનો ઉપયોગ આમ તો મુખ્યત્વે રમતગમતનો હેતુ માટે જ થતો આવ્યો છે. સાથોસાથ મેદાનની ફરતે દિવાલ ઉપર લોકો બેસવાનો ઉપયોગ કરે છે અને દિવાલની બહાર પાલિકાએ કરેલા બ્લોકપેવિંગને કારણે ફૂટપાથ બનતા લોકો જોગીંગ પણ કરે છે. હવે અહીંની પાલિકાએ લુન્સીકૂઈ મેદાનની સૂરત બદલવાનો નિર્ણય લીધો છે.

લુન્સીકૂઈ મેદાનનો ભાગ તો યથાવત જ રહેશે પરંતુ મેદનની ફરતેનો ભાગ બદલાશે.નવસારી પાલિકાના સિટી ઈજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે લુન્સીકૂઈ મેદાનની ફરતે હાલ જે દિવાલ છે તે વરસો વીતતા ખખડધજ થઈ છે અને લોકો યોગ્ય રીતે બેસી શકતા નથી. આ બેસવાની જગ્યાએ ગ્રેનાઈટ સહિતના મટિરિયલનો ઉપયોગ કરી સિટિંગ વ્યવસ્થા ટીપટોપ કરવામાં આવશે. હાલની દિવાલની અંદર પણ બીજી નાની સિટિંગ વ્યવસ્થા બનાવાશે.

હાલ લોકો માટે બહારના ભાગે જોગીંગ પથ છે જ પરંતુ હવે દિવાલની અંદરના ભાગે જોગીંગ પથ બનાવાશે. ખાસ કરીને મહિલાઓ અને સિનિયર સિટીઝનોને બહારની જગ્યાએ ચાલવા માટે ભય રહે છે ત્યારે આ અંદરનો જોગીંગ પથ તેઓ માટે ઉપયોગી બનશે. સુત્રોના જણાવ્યા મુજબ લુન્સીકૂઈ બહારના ભાગના નવિનીકરણ માટે 91.70 લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ છે.

તાજેતરમાં મળેલી એક્ઝિક્યુટીવ કમિટીની બેઠકમાં આ કામ મંજૂર કરી બહાલી પણ આપવામાં આવી હતી. નવસારીના ઈતિહાસના જાણકાર કેરસી દેબુ જણાવે છે કે ઘણાં વર્ષ અગાઉ લુન્સીકૂઈની અંદરની જગ્યામાં પણ લોકો જોગીંગ કરતા હતા અને તેઓ માટે અંદર બાકડા પણ હતા.

મલ્ટીર્પઝ સ્પોર્ટસ કોમ્પલેક્સ
નવસારીના લુન્સીકૂઈની બહારના ભાગની સિકલ તો હવે બદલાશે પરંતુ પાલિકાએ મેદાનની અંદર અંદાજે 4.50 કરોડ રૂપિયાના ખર્ચે રમતગમતના હેતુ માટે સ્પોર્ટસ કોમ્પલેક્સ બનાવી પણ દીધુ છે. અગાઉ લુન્સીકૂઈમાં માત્ર જૂનું પેવેલિયન હતું જેને તોડી પાડવામાં આવ્યું હતું. આ પેવેલિયનની જગ્યાએ પાલિકાએ અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવ્યું છે જેનું ઉદઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું છે.

આ નવા સ્પોર્ટસ કોમ્પલેક્સમાં અનેક સુવિધાઓ છે. જેમાં બેડમિન્ટન કોર્ટ, યોગાહોલ, સ્નુકર ગેમ, ટેબલટેનિસ ગેમ, કેરમ અને ચેસની સુવિધા, ડાર્ટરૂમ, રિડિંગ રૂમ અને મલ્ટીપરપઝ ટ્રેનિંગ રૂમ પણ હશે.