7 October 2017

ખેલ મહાકુંભમાં સતત બીજા વર્ષે મદ્રેસા હાઈસ્કૂલ નવસારી જિલ્લાની શ્રેષ્ઠ શાળા


ખેલ મહાકુંભ-૨૦૧૭માં નવસારીની સર સી.જે.એન.ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ ૧૬૩ પોઈન્ટ સાથે સતત બીજા વર્ષે નવસારી જિલ્લાની પ્રથમ ક્રમાંકિત શ્રેષ્ઠ શાળા જાહેર થઈ છે. આ શાળામાંથી ૧૪૦૦ જેટલા બાળકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

ખેલ મહાકુંભ અંતર્ગત હેન્ડબોલ રમતમાં શાળાએ ૧૩ પોઈન્ટ પ્રાપ્ત કર્યા હતા. જેમાં ઓપન એઈજ ગ્રૂપ ભાઈઓ બહેનોમાં સતત સાતમા વર્ષે શાળાની ટીમ ચેમ્પિયન રહી હતી. બાસ્કેટ બોલ રમતમાં અંડર-૧૪ અને અંડર-૧૭ ભાઈઓ બહેનો મળી કુલ ૧૦ પોઈન્ટ પ્રાપ્ત કર્યા હતા. કુસ્તીમાં અંડર-૧૪, અંડર-૧૭ અને ૧૭ વર્ષથી વધુ ભાઈઓ-બહેનો ગ્રૂપમાં કુલ ૬૮ પોઈન્ટ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લામાં ડંકો વગાડયો તો જુડો રતમાં પણ અંડર-૧૪ અને અંડર-૧૭ ભાઈઓમાં ૨૩ પોઈન્ટ પ્રાપ્ત કર્યા.

એથ્લેટિક્સ રમતમાં તથા લોન ટેનિસમાં ૪૦ પોઈન્ટ પ્રાપ્ત કરી શાળાએ કુલ ૧૬૩ પોઈન્ટ મેળવતાં સમગ્ર ખેલ મહાકુંભનું મોનિટરિંગ કરતાં જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ. વસાવા અને જિલ્લા રમતગમત અધિકારી જી.જી. વળવી દ્વારા સમગ્ર જિલ્લાની તમામ શાળાઓના વિવિધ રમતના કુલ પોઈન્ટ પ્રાપ્ત કરેલી શાળાઓમાંથી સર સી.જે.એન.ઝેડ. મદ્રેસા સ્કૂલ, નવસારી સતત બીજા વર્ષે જિલ્લાની પ્રથમ ક્રમાંકિત શ્રેષ્ઠ શાળા જાહેર કરી હતી.

જિલ્લાની પ્રથમ શ્રેષ્ઠ આ શાળાને નડિયાદ મુકામે ખેલ મહાકુંભ-૨૦૧૭ પૂર્ણાહુતિ સમારંભમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા રાજ્યના રમતગમત યુવા અન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ૧,૫૦,૦૦૦ રૃપિયા પુરસ્કાર રૃપે એનાયત કરવામાં આવ્યા હતા.