2 October 2017

નવસારીને ક્ષયરોગ મુક્ત બનાવવા હાકલ


નવસારીના 150 જેટલા ટીબી દર્દીઓને પૌષ્ટિક આહાર વિતરણ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી માનવરોગ નિવારણ મંડળ નવસારીના પ્રમુખ રમેશચંદ્ર વશીએ સૌ લાભાર્થીઓને વ્યસનમુક્ત થઇ ટી.બી.રોગની નિયમિત સારવાર લેવા હાંકલ કરી હતી. તેમણે સૌને આવકારતા સંસ્થા દ્વારા છેલ્લા 5 મહિનાથી નવસારી તાલુકાના ક્ષયરોગના દર્દીઓને પ્રતિમાસ ઘર બેઠા પૌષ્ટિક આહાર પહોંચાડવાય છે. આજે 5 કિલો ચોખા અને 5 કિલો તુવેર દાળ દરેક દર્દીઓને આપવામાં આવ્યા છે. તે પૂરકરૂપે છે,તેનો દર્દીઓ પોતે ખાવામાં ઉપયોગ કરે તો સારા પરિણામ મળશે તેવી ભદ્રભાવના વ્યક્ત કરી હતી. સમારોહના મુખ્ય મહેમાન પદેથી સમારોહને ખુલ્લે મુક્તા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નરે માનવરોગ નિવારણ મંડળની પ્રશસ્યકામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પણ ટીબીના જે દર્દીઓ વ્યસન કરે છે તેમને વ્યસન છોડી ક્ષયરોગની સારવાર પૂરા સમય સુધી લેવા સમજ આપી હતી. ટીબીથી મૃત્યુ પામનારાઓના પ્રમાણમાં ઘટાડો લાવી શકાય છે. વચ્ચે સારવાર મૂકી દેવાથી ટીબીના જંતુઓ અમુક સમય પછી વધારે તીવ્રતાથી હુમલો કરે છે.

સમારોહના અતિથી વિશેષ પદેથી એડવોકેટ વિરેન્દ્રભાઇ દેસાઇએ કહયું કે વિસ્તારના હળપતિ સમાજમાં દારૂની બંદી દૂષણને કારણે યુવાનો વહેલા મૃત્યુ પામે છેદારૂના વ્યસનની બંદીને કારણે હળપતિ સમાજનો વિકાસ થયો નથી. જે કુટુંબોએ દારૂ છોડ્યો છે તેની સારી પરિસ્થિતિનો ચિતાર આપી દારૂના વ્યસનીઓને વ્યસન છોડવા જોરદાર અપીલ કરી હતી.