4 October 2017

નવસારીમાં ઓવરબ્રિજ બનાવો, અંડરબ્રિજ નહીં


નવસારીમાં રેલવે ઓવરબ્રિજની જગ્યાએ અંડરબ્રિજ બનાવવાનો નિર્ણયનો વિરોધ કરવા આજે મંગળવારે નવસારીના સ્ટેશન-જલાલપોર વિસ્તારના લોકોની રેલી નીકળી હતી. પાંચ હજાર જેટલા લોકોની સહી સાથેની લેખિત રજૂઆત ઓવરબ્રિજ બનાવવા માટે કલેકટરને કરાઈ હતી.

નવસારી રેલવે ફાટક વિસ્તારમાં ટ્રાફિકને હળવો કરવા અગાઉ રેલવે ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કરાયો હતો. જોકે તંત્રએ નિર્ણય બદલી રેલવે ઓવરબ્રિજની જગ્યાએ હવે રેલવે અંડરબ્રિજ બનાવવાનું આયોજન કર્યું છે. સરકાર તથા નગરપાલિકાના નિર્ણયનો વિરોધ ઉભો થયો છે.


વિરોધ અંતર્ગત નવસારીના સ્ટેશન વિસ્તાર, જલાલપોર રોડ વિસ્તાર અને નજીકના ગ્રામ્ય વિસ્તારના લોકોની આજે મંગળવારે વાહનરેલી નીકળી હતી. રેલીમાં આગેવાનો અજય દેસાઈ (વાઘ), ગંગારામભાઈ, મહેન્દ્ર દરબાર, પરિમલ પટેલ, મુન્ના પાંચાલ, પિયુષ પટેલ, ગોરધન વકીલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી જલાલપોર રોડના લીમડાચોકથી નીકળી કાલીયાવાડી જિલ્લા સેવા સદન કચેરીએ પહોંચી હતી. રેલીમાં સામેલ લોકોએ અંડરબ્રિજ નહીં રેલવે ઓવરબ્રિજ બનાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લા સેવા સદન કચેરીમાં કલેકટર રવિકુમાર અરોરા સમક્ષ આગેવાનોએ પાંચ હજાર લોકોની સહી સાથે રેલવે ઓવરબ્રિજ બનાવવા માંગ કરી.

બ્રિજમાં રાજકીય ખેલ ખેલાયો 
નવસારીનાજલાલપોર રોડ વિસ્તારના લોકોએ રેલવે ઓવરબ્રિજની જગ્યાએ અંડરબ્રિજ બનાવવામાં રાજકીય દાવપેચ ખેલાયાનો આક્ષેપ પણ કર્યો હતો. તેઓનું કહેવું હતું કે રેલવે ઓવરબ્રિજની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ હતી પરંતુ કેટલાક રાજકીય આગેવાનો સાથે નવસારી પાલિકાના સત્તાધિશોએ મળી ઓવરબ્રિજનું કામ બંધ કરાવાયું હતું. પાલિકાના હોદ્દેદારો તેમજ વેપારીઓએ પૈસાના જોરે જનતાને પડતી મુશ્કેલીઓ નિવારવાના બદલે અંગત સ્વાર્થ માટે ઓવરબ્રિજનું કામ ચાલુ થવાના અંતિમ સમયમાં રાતોરાત રાજકીય ખેલ ખેલાયો હતો. માટે મળેલા 33 કરોડ રૂપિયા પાછા મોકલી અપાયાનું જણાવ્યું હતું.