20 October 2017

હજારો લોકોને દિવાળીમાં મદદરૂપ હાટબજાર


નવસારીમાં હાટબજારે ચાલુ સાલ બજારના વેપારીઓની તો દિવાળી સુધારી પરંતુ સાથે ઓછી આવકવાળાઓને સસ્તી કિંમતે વસ્તુ પણ મળી રહે છે.

નવસારી શહેરમાં રવિવારી હાટબજાર ઘણાં વરસોથી ભરાય છે. અગાઉ બજાર લુન્સીકૂઈ વિસ્તારમાં ભરાતું હતું પરંતુ સને 2007થી હાટબજાર વિરાવળ સ્થિત એપીએમસી સંકુલમાં ભરાતું આવ્યુ છે. આમ તો વર્ષ દરમિયાન હાટબજાર રવિવારે ભરાય છે પરંતુ દિવાળીના દિવસોમાં અઠવાડિયુ હાટ ભરાય છે.

ચાલુ સાલે પણ લગભગ અઠવાડિયુ હાટ દિવાળીમાં ભરાયુ છે. હાટબજારમાં ટાંકણીથી માંડી કપડા સુધી વિવિધ વસ્તુઓ સસ્તી કિંમતે મળી રહે છે. ચીજવસ્તુનો ભાવ કિફાયત હોવાથી ગરીબો તથા ઓછી આવકવાળા લોકો માટે હાટ ઉપયોગી છે. હાટમાં સ્ટોલ લગાવતા વેપારીઓ સ્થાનિક ઉપરાંત જિલ્લા બહારના પણ આવે છે. ખરીદી કરવા પણ નવસારી બહારના લોકો પણ આવે છે. દિવાળીના ત્રણેક દિવસ તો હાટબજાર ગ્રાહકોથી ખીચોખીચ ભરાયેલું જોવા મળે છે. એક રીતે હાટ હજારો લોકો માટે આશીર્વાદરૂપ છે. એક જગ્યાએ ઘણી વસ્તુઓ મળી રહે છે.

જ્યાં હાટ લાગે છે નવસારી એપીએમસીના ચેરમેન આશિષ નાયકે જણાવ્યું કે સને 2007માં લુન્સીકૂઈ વિસ્તારમાં હાટ લગાવવાનો વિવાદ થયો ત્યારે અમે એપીએમસી સંકુલમાં હાટ લગાવવાની તૈયારી બતાવી હતી. આજે 10વર્ષ થયા છે. વેપારીઓની સંખ્યા 26થી 400 ઉપર પહોંચી છે. હાટ બજારથી એપીએમસીને પણ ફાયદો થાય છે. આર્થિક ફાયદો ઉપરાંત અહીં હાટમાં ખરીદી કરવા આવતા લોકો શાકભાજી પણ ખરીદી જતા હોય છે. તેથી વેપારીઓને પણ ફાયદો થાય છે.