26 October 2017

નવસારી જિલ્લામાં ચૂંટણીનો ધમધમાટ શરૂ


રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ નવસારી જિલ્લામાં પણ ચૂંટણીનો ધમધાટ શરૂ થઇ ગયો હતો. આચાર સંહિતના અમલના ભાગરૂપે નવસારી, વિજલપોરમાં સરકારી, રાજકીય બેનરો, હોર્ડિગો ઉતારી દેવાયા હતા.

ચૂંટણીપંચે આજે બુધવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દીધી હતી. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ નવસારી પંથકમાં ચૂંટણીનો ધમધમાટ બપોરથી જ શરૂ થઇ ગયો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રવિ અરોરાએ ચૂંટણી આચારસંહિતાના અમલ માટે ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી હતી. બેઠકમાં તમામ વિભાગોના અધિકારીઓ, નોડલ અધિકારીઓને વિવિધ સ્થળોએથી પોસ્ટર્સ, ભીંતતિત્રો, બેનરો તાત્કાલિક અસરથી દૂર કરવા હુકમો જારી કર્યા હતા. સરકારી અધિકારીઓ, કર્મચારીઓની જાઓ તાત્કાલિક અસરથી રદ કરાઇ હતી. આજે કલેક્ટરાલયમાં આખો દિવસ ચુંટણી સંદર્ભે બનાવાયેલી સમિતિઓની બેઠકોનો દોર ચાલ્યો હતો.

નવસારી, વિજલપોરમાં રાજકીય, સરકારી બેનરો, હોર્ડિગ્સો ઉતારી લેવાયા
ચૂંટણી આચારસંહિતા અમલી થયાની અસર નવસારી અને તેની નજીકનાં વિજલપોર શહેરમાં જોવામાં આવી હતી. નવસારીમાં વિવિધ સ્થળોએ લાગેલા મસમોટા રાજકીય અને સરકારી હોર્ડિગ્સો ઉતારવાની કામગીરી બપોરથી શરૂ થઇ ગઇ હતી. બેનરો પણ ઉતારી લેવામાં આવ્યા હતા. વિજલપોર શહેરમાં પણ બેનર્સ, હોર્ડિગ્સ ઉતારવાની કામગીરી શરૂ થઇ ગઇ હતી. પાલિકાનાં ચીફ ઓફિસર રમેશ જોષીએ જણાવ્યું કે, મોડી સાંજ સુધીમાં તમામ બેનરો, હોર્ડિગ્સો ચૂંટણી આચાર સંહિતાના ભાગરૂપે ઉતારી લેવાશે. અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય પક્ષોમાં તથા આમ જનતામાં ચૂંટણીની જાહેરાતની વાટ જોવાઇ રહી હતી. આજે જાહેરાત થતાની સાથે જ ખાસ કરીને રાજકીય પક્ષોનાં કાર્યકરો, નેતાઓમાં સળવળાટ શરૂ થઇ ગયો હતો.

જિલ્લાની 4 બેઠકોનો ચૂંટણી કાર્યક્રમ
નવસારી જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત નોટિફિકેશન બહાર પાડવાની તા.14.11.2017 રહેશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ તા.21.11.2017 નિર્ધારિત થઇ છે. ફોર્મ ચકાસણીની તારીખ 22.11.2017,ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 24.11.2017 રહેશે. ચૂંટણી માટે મતદાન તા.9.12.2017 ને શનિવારનાં રોજ થશે. મત ગણતરી તા.18.12.2017 નાં રોજ થશે અને સમગ્ર ચુંટણી પ્રક્રિયા તા.20.12.2017 નાં રોજ પૂરી થશે.