20 October 2017

નવસારીને નવા વર્ષમાં રિંગરોડની ભેટ મળશે


નવસારી શહેરમાં નવા વર્ષમાં રીંગરોડની ભેટ મળશે. નવા વર્ષમાં 3.9 કિલોમીટરમાંથી મોટાભાગનો રોડ તૈયાર થઈ લોકો વપરાશ કરતા થઈ જશે એમ પાલિકા સૂત્રોએ જણાવ્યું છે.

નવસારી શહેરમાં રીંગરોડનું આયોજન છેલ્લા 10-12 વર્ષથી થઈ રહ્યું છે. જોકે આજદિન સુધી જમીન સંપાદનના પ્રશ્નો, નાણાં પ્રશ્નો યા અન્ય પ્રશ્નોને લઈ આજદિન સુધી સંપૂર્ણ રીંગરોડ તૈયાર થઈ શક્યો નથી. શહેરમાં પશ્ચિમે પ્રકાશ ટોકીઝ નજીકથી રૂસ્તમવાડી, વિરાવળ થઈ ભેંસતખાડા-ઈસ્લામપુરા સુધીનો રીંગરોડ બનાવવાની યોજના છે. પાલિકા આજદિન સુધીમાં વિરાવળથી ભેંસતખાડા સુધીનો 800 મીટરનો રીંગરોડ બનાવી શકી છે. વિરાવળથી પ્રકાશ ટોકીઝ સુધીનો અને ભેંસતખાડાથી ઈસ્લામપુરાનો રીંગરોડ બની શક્યો નથી. જોકે હવે આગામી હિન્દુ નવા વર્ષમાં મોટાભાગનો રીંગરોડ બની જશે અને લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકાશે.

મળતી માહિતી મુજબ હાલ પ્રકાશ ટોકિઝથી રૂસ્તમવાડી થઈ વિરાવળ જતા અંદાજે 2.6 કિલોમીટર રોડ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે. અંદાજે 13 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ માટે કરાશે. રૂસ્તમવાડી નજીક જે મકાનો નડતરરૂપ હતા તે દૂર કરવામાં આવ્યા છે. જે કામગીરી પાલિકાએ પૂરી કરી છે. હવે રૂસ્તમવાડી નજીક એક મંદિર આવે છે. જોકે અંગે પાલિકાના સિટી ઈજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે મંદિર પ્રશ્ને વાટાઘાટો જારી છે અને સકારાત્મક પ્રત્યુત્તર મળતા પ્રશ્ન હલ થઈ જશે. રીંગરોડ જે તૈયાર થઈ રહ્યો છે તેમાં કેટલીક જગ્યાએ પહોળાઈ 24 મીટરની છે તો કેટલીક જગ્યાએ 12 મીટરની રખાનાર હોવાનું જાણવા મળ્યું છે. ભેંસતખાડાથી ઈસ્લામપુરાના 300થી 400 મીટરની સંપાદનની સમસ્યા છે. નવસારી પાલિકાની એક્ઝિક્યુટીવ કમિટીના ચેરમેન પ્રેમચંદ લાલવાણીએ જણાવ્યું કે મોટાભાગનો રીંગરોડ નવા વર્ષમાં તૈયાર થઈ જશે. સંપાદન સંદર્ભે પણ વાટાઘાટ જારી છે અને પ્રશ્ન પણ હલ થઈ જશે.

એક બાબતનો સ્પષ્ટ છે કે આગામી નવા વર્ષમાં પ્રકાશ ટોકીઝથી ભેંસતખાડા સુધીનો મોટાભાગનો રીંગરોડ તૈયાર થઈ જશે અને લોકો માર્ગનો વપરાશ શરૂ કરી દેશે.

ટ્રાફિક સમસ્યા હળવી થશે 
નવસારીનો રીંગરોડ શહેરની ટ્રાફિકની સમસ્યાને હળવી કરનારો બનશે એમાં બેમત નથી. હાલના સમયમાં શહેરમાં ટ્રાફિક સમસ્યા ખુબ વકરી છે. પશ્ચિમ વિભાગથી સુરત જવા યા હાઈવે તરફ જવા હાલ નાછૂટકે શહેરના મધ્ય ભાગથી વાહનચાલકોને જવુ પડે છે. જ્યાં ટ્રાફિક ગીચ છે. નવા રીંગરોડના ઉપયોગથી ઘણાં વાહનો શહેરના મધ્યભાગમાં જતા અટકશે જેથી ટ્રાફિક ભારણ શહેરમાં હળવું થશે. બીજી એક બાબત પણ છે કે જ્યાંથી રીંગરોડ પસાર થઈ રહેલો છે વિસ્તારનો ખાસ વિકાસ થયો નથી. રોડ બની જતા વિસ્તારનો વિકાસ પણ થશે પણ ફાયદારૂપ છે.