9 October 2017

નવસારી શહેર હવે ગાર્ડન સિટી બનશે


નવસારી શહેરમાં હાલ પાંચ ગાર્ડનો છે ત્યાં હવે વધુ ત્રણ ગાર્ડનો બનતા શહેરગાર્ડન સીટી’ બની જશે.

દરેક મહાનગરપાલિકાઓમાં તો ગાર્ડનો નોંધનીય સંખ્યામાં હોય છે પરંતુ નગરપાલિકાની કદના શહેરોમાં વધુ પ્રમાણમાં ગાર્ડનો હોતા નથી. જોકે અહીંના નવસારી શહેરમાં હાલ પણ પ્રમાણમાં સારી સંખ્યામાં ગાર્ડનો છે. નવસારીમાં હાલ પાંચ જેટલા પાલિકા હસ્તકનાં ગાર્ડનો આવેલા છે. જેમાં પારસી હોસ્પિટલ સામેના વિસ્તારમાં વાજપેયી ગાર્ડન, લુન્સીકુઇ મેદાનને અડીને આવેલ પાર્ક ફુવારા વિસ્તારમાં જ્યુબીલી ગાર્ડન, ચાંદની ચોક વિસ્તારમાં બાળક્રીડાંગણ અને જલાલપોર થાણા તળાવને અડીને મોરારજી ગાર્ડન (જે હાલ ઉજ્જડ છે) નો સમાવેશ થાય છે.

હાલ નવસારીમાં પાંચ ગાર્ડનો છેત્યાં હવે વધુ ત્રણ નવા ગાર્ડનો બનશે. પાલિકા સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરનાં તુલસીવન નજીક,સ્નેહસાગર નજીક તથા અજીત સોસાયટીમાં આવેલા વીરાંજલી વનની જગ્યાએ નવા ગાર્ડનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે જગ્યાએ ગાર્ડનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે એ જગ્યાઓ ટી.પી.સ્કીમની ગાર્ડન માટેની જ રીઝર્વ જગ્યા (પ્લોટ) છે. સરકારની અમૃત યોજના અંતર્ગત ગ્રાટમાંથી અંદાજે 50 લાખ રૂપિયાના ખર્ચે આ ગાર્ડનો બનશે.ગાર્ડનો બનાવવા માટેની ટેન્ડરીંગ વિગેરે પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.

આગામી ડિસેમ્બર માસ યા તેની નજીકના સમયમાં આ નવા ગાર્ડનો તૈયાર થઇ જવાની શક્યતા છે. શહેરમાં વધુ ત્રણ નવા ગાર્ડનોની સાથે કુલ 8 ગાર્ડનો થઇ જશે. જેથી નવસારી શહેર આગામી દિવસોમાં ગાર્ડનસીટી બની જાય તો નવાઇ નહીં!

નવસારી નગરપાલિકાનાં સીટી ઇજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે હજુ આગામી સમયમાં વધુ ગાર્ડનો બનશે.સને 2022 સુધીમાં દર વર્ષે નવા ગાર્ડન બનાવવાની નેમ છે. જોકે હવે જગ્યાની સમસ્યા જરૂર સર્જાશે.