14 October 2017

વિજલપોર પાલિકાના ઉપપ્રમુખ જ વિપક્ષની ભૂમિકામાં


વિજલપોર નગરપાલિકાની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં ઉપપ્રમુખે જ ભાજપી શાસનનાં રીતસર કપડાં ઉતાર્યા હોય એમ આક્ષેપો કર્યા હતા. વિજલપોર પાલિકાની સામાન્ય સભા શુક્રવારે પાલિકા પ્રમુખ હેમાબેન ભંડારીના અધ્યક્ષસ્થાને મળી હતી. સભાની શરૂઆતથી જ પાલિકા ઉપપ્રમુખ અર્જુનદાદા પાટીલે આક્રમક વલણ અપનાવ્યું હતુ.

એજન્ડા ઉપરનાં કેટલાક કામોનો ઉલ્લેખ કરતા અર્જુનદાદાએ કહયું કે અગાઉ મંજુર થયેલા કામો પુન: મંજુરી માટે લાવવામાં આવ્યા છે.

કેટલાક કામોનાં તો પૈસા પણ ચૂકવાઇ ગયા છે, જે પુન: સભામાં લવાયા છે. વિપક્ષી નેતા રામસીંઘ રાજપૂતે પણ તેમનાં સૂરમાં સૂર મિલાવી જણાવ્યું કે 95 ટકા કામો થઇ ચૂક્યા છે છતાં પુન: સભામાં શા માટે લાવવામાં આવ્યા છે તેજ સમજ પડતી નથી. ઉપપ્રમુખ અર્જુનદાદાએ વધુમાં કહયું કે કેટલાક કામો બરાબર થતાં નથી.

આરસીસી રોડમાં ખામી જોવા મળી છે અને તૂટી જાય છે. કોન્ટ્રાક્ટર ઉલ્લુ બનાવે છે. વધુમાં ઉપપ્રમુખે રોષ ઠાલવતા સભામાં જણાવ્યું કે, પાલિકામાં ઉપપ્રમુખ શોના પૂતળા જ છે કંઇ જ પૂછવામાં આવતું નથી.

કોઇ જગ્યાએ આવતા નથી. સરદાર કોલોની પાસે નિર્માણ થયેલા કમ્યુનીટી હોલ બનાવવામાં વધારાનાં ખર્ચ અંગે પણ સવાલ કર્યા હતા અને ચોક્કસ કેટલો વધુ ખર્ચ થશે તેની માહિતી માંગી હતી.

સભામાં ઉપપ્રમુખ અર્જુનદાદાની સાથે વોર્ડ 11 નાં ભાજપી સભ્ય મનીષ ઠાકુરે પાલિકાની નીતિરીતી વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા હતા. સભામાં પૂછાયેલા પ્રશ્નો તથા આક્ષેપોના જવાબો શંકરભાઇ પટેલ, બિમલેશ શર્મા, પ્રકાશ પાટીલ અને ચીફ ઓફિસર રમેશ જોષીએ આપ્યા હતા.