11 October 2017

વિજલપોર પાલિકા કર્મચારીઓ ત્રણ દિવસની હડતાળ પર


વિજલપોર નગરપાલિકાના કર્મચારીઓએ પણ 11મીથી ત્રણ દિવસ હડતાળ ઉપર જવાનો નિર્ણય કરતા પાલિકાની સેવા ખોરવાઈ જવાની શક્યતા સેવાઈ છે.

અહીંની વિજલપોર નગરપાલિકાના કર્મચારીઓ પણ સરકાર પાસે સાતમા પગારપંચ સહિતની કેટલીક માગ છેલ્લા કેટલાક સમયથી કરી રહ્યા છે. અગાઉ કર્મચારીઓએ પોતાની માગના સમર્થનમાં હડતાળ પણ પાડી હતી, જે બાદમાં સમેટાઈ ગઈ હતી. જોકે કર્મચારીઓના જણાવ્યા મુજબ સરકારે વારંવારની રજૂઆતો કરવા છતાં કોઈ હકારાત્મક નિર્ણય આવતા પુન: આંદોલને ચઢવાનો નિર્ણય કર્યો છે.

પાલિકાના કર્મચારીઓએ વિજલપોર પાલિકા કર્મચારી સંકલન સમિતિએ પાલિકાના પ્રમુખ અને સીઓને આંદોલન સંદર્ભે લેખિત જાણકારી આપી હતી. જેમાં 11, 12 અને 13 ઓકટોબર ત્રણ દિવસ માટે હડતાળ ઉપર જવાના હોવાનું જણાવ્યું હતું. હડતાળમાં વિજલપોર નગરપાલિકાના તમામ કર્મચારીઓ (રોજમદાર સહિત) હડતાળ ઉપર જનાર હોવાનું પણ જણાવ્યું છે. જો કર્મચારીઓ આવતીકાલે 11મીથી હડતાળ ઉપર જશે તો પાલિકાની સેવા ખોરવાઈ જવાની પૂરી શક્યતા છે.