6 October 2017

વિજલપોર માર્ગો હવે આરસીસીના બનાવવામાં આવશે


વિજલપોરના માર્ગોનું આરસીસીકરણ કરાઈ રહ્યું છે. શહેરના અનેક આંતરિક માર્ગો આરસીસી કરાયા બાદ હવે પાલિકાએ મુખ્ય માર્ગ આશાપુરી રોડને આરસીસી કરવાનો નિર્ણય લીધો છે.

વિજલપોરમાં સિટી સરવે અને ટાઉન પ્લાનિંગ સ્કિમ હોવાને કારણે શહેરનો આયોજનબદ્ધ રીતે વિકાસ થઈ શક્યો નથી. આમ છતાં અહીંની પાલિકાએ શહેરના મોટાભાગના વિસ્તારો સુધીના માર્ગ તથા બ્લોકપેવિંગની કામગીરી કરી છે. આમ તો શહેરના મહત્તમ રોડ ડામર રોડ બનાવાયા છે પરંતુ હવે અહીંની પાલિકાએ માર્ગોને આરસીસી બનાવવાની કામગીરી હાથ ધરી છે.

પાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વિજલપોર પાલિકાએ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક આંતરિક માર્ગો આરસીસી બનાવ્યા છે. માર્ગોમાં સમોદીયા વિસ્તારનો માર્ગ, ગોકુલપુરા, રામનગર, અલકાપુરી, દેસાઈવાડની પાછળનો અમીધારા કોલોની માર્ગ, સૂર્યનગરથી રેવાનગરનો માર્ગ વગેરેનો સમાવેશ થાય છે. ઉક્ત આરસીસી માર્ગો બનાવવા માટે લાખો-કરોડોનો ખર્ચ કરાયો છે. અનેક આંતરિક માર્ગો આરસીસી બનાવાયા બાદ હવે અહીંની પાલિકાએ શહેરના મુખ્ય માર્ગ આરસીસી કરવા તરફ નજર દોડાવી છે. શહેરનો એક મુખ્ય માર્ગ રેલવે ફાટકથી એરૂ ચાર રસ્તા સુધીનો તો હેરીટેજ નેશનલ હાઈવે નં. 228 હોઈ પાલિકા હસ્તક હોવાથી તેની ઉપર તો કોઈ કામગીરી કરી શકાય એમ નથી. જેથી શહેરનો બીજો મુખ્ય માર્ગ આશાપુરી માર્ગને આરસીસી કરવાનો નિર્ણય કરાયો છે. આશાપુરી મંદિરથી સરદાર કોલોની સુધીના અંદાજે 2 કિલોમીટરના માર્ગને આરસીસી કરવામાં આવશે. આ માર્ગને ૧૦ મીટરની પહોળાઈનો છે જે અંદાજિત ૩.૫૦ કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ખર્ચ સરકારની સ્વર્ણિમ જયંતિ યુડીપી ૮૮ની ગ્રાંટમાંથી કરવામાં આવશે.

આરસીસી માર્ગના ભયસ્થાન 
વિજલપોરમાં મુખ્ય માર્ગ આરસીસી કરવાના ફાયદા છે તો ભયસ્થાનો પણ છે. માર્ગની નીચેથી જ્યારે વિવિધ લાઈન પસાર થાય ત્યારે લાઈનમાં સમસ્યા સર્જાય તો આરસીસી માર્ગમાં મુશ્કેલી સર્જાય એમ છે. જોકે પાલિકાના વર્તુળ જણાવે છે કે માર્ગની નીચેથી માત્ર ડ્રેનેજ લાઈન જાય છે અને તે પણ હાલમાં નવી નાંખી છે તેથી સમસ્યા સર્જાવાની શક્યતા ઓછી છે, સાથે સમસ્યા સર્જાય તો તે પણ ઉકેલી શકાય છે. જોકે હાલમાં આરસીસી રોડ બનાવવાથી એક વર્ષ અગાઉ બનાવેલો ડામર રોડ ઉખેડવો પડશે !