6 November 2017

અમિત શાહ દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાના આગેવાનોને મળ્યા


ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજે રવિવારે નવસારી આવી દક્ષિણ ગુજરાતનાં ત્રણ જિલ્લાનાં ભાજપ અગ્રણીઓને આગામી વિધાનસભાની ચુંટણીમાં જીતવાનો પાનો ચઢાવી ગયા હતા. ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજે રવિવારે નવસારીની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન શાહે દક્ષિણ ગુજરાતનાં ત્રણ જિલ્લા નવસારી, વલસાડ અને ડાંગના પક્ષના ચુંટાયેલા, સંગઠનના હોદ્દેદારો સાથે બેઠકો કરી હતી.

પ્રથમ તો અમિત શાહે નવસારીના ટાટ હોલ ખાતે ત્રણ જિલ્લાનાં ધારાસભ્યો સહિતના ટોચના કેટલાક નેતાઓ સાથે બંધબારણે બેઠક કરી હતી.ત્યારબાદ ટાટા હોલમાં ત્રણેય જિલ્લાનાં શક્તિકેન્દ્રોના પ્રમુખો સહિત 1 હજાર જેટલા હોદ્દેદારો વિગેરેને સંબોધન કર્યુ હતુ. ભાજપનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ અમિત શાહે પોતાની મુલાકાત દરમિયાન પક્ષના સંગઠન નેટવર્કનો ચુંટણીમાં ઉપયોગ કરવાની શીખ આપી છે. પક્ષનાં પ્રાથમિક સભ્યો (નવસારી જિલ્લામાં 1.69 લાખ) મોટી સંખ્યામાં છે

ત્યારે આ સભ્યો અને તેના વર્તુળનો યોગ્ય ઉપયોગ કરાય તો જીતવામાં કોઇ મુશ્કેલી ન પડે તેમ જણાવ્યું હતુ. શાહે આગામી દિવસો દરમિયાન ડોર ટુ ડોર લોકોનો સંપર્ક કરી આમ જનતાને પક્ષની વાત પહોંચાડવા જણાવ્યું હતુ. શાહે સ્પષ્ટપણે આ ચુંટણીમાં ભાજપનો ટાર્ગેટ માત્ર બહુમતી નહીં પરંતુ 150 પ્લસનો હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતુ.તેમણે કાર્યકરોને ચુંટણીમાં પ્રચાર કરવાની અને જીત હાંસલ કરવાની ટીપ્સ પણ આપી હોવાની જાણકારી મળી હતી.

અમિત શાહે પોતાનાં વકતવ્ય દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં આવી દુષ્પ્રચાર કામ હોવાનું જણાવ્યું હતુ. તેમણે કહ્યું રાહુલ ગાંધી પોતાનાં મતવિસ્તાર અમેઠીમાં યુવાનોને રોજગારી આપી શક્યા નથી,ત્યાંની સમસ્યા ઉકેલી શક્યા નથી ત્યારે ગુજરાતમાં વિકાસની અને રોજગારી આપવાની વાત કરે છે.

અમિત શાહે પોતાનાં રાજકીય કાર્યક્રમ બાદ નવસારી શહેરમાં આવેલ આદિનાથ શ્વેતામ્બર દેરાસરની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં જૈન મુનિઅભય સુરિશ્વર મહારાજના આશીર્વાદ પણ લીધા હતા.

અમિત શાહની નવસારી મુલાકાત દરમિયાન ગુજરાતનાં પ્રભારી ભુપેન્દ્ર યાદવ, મહામંત્રી વી સતીષ, ભરતસિંહ પરમાર પણ હાજર રહ્યાં હતા.