11 November 2017

વિજલપોરથી પસાર થતો નેશનલ હાઈવેનો ફૂટપાથ બિસ્માર બન્યો


વિજલપોર શહેરની હદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં. 228નો રોડ તો સારો છે પરંતુ ઘણા સમયથી રોડની લગોલગની ફૂટપાથ ચીંથરેહાલ જોવા મળી રહી છે. ફૂટપાથ તૂટી તો ગઈ છે પરંતુ અધુરી પણ છે. વિજલપોર શહેરમાં જે મુખ્ય માર્ગ આવેલા છે તેમાંનો એક રેલવે ફાટકથી એરૂ ચાર રસ્તા સુધીનો રોડ છે. આ રોડ 8થી 10વર્ષ અગાઉ રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તક હતો. જોકે સને 2005ના અરસામાં કોંગ્રેસ પક્ષે અમદાવાદથી દાંડી સુધીની કૂચનો કાર્યક્રમ આપ્યો હતો.

તે વખતે તે વેળાના વડાપ્રધાન ડો. મનમોહનસિંઘે મહાત્મા ગાંધીજી જે રસ્તા ઉપરથી પસાર થયા હતા તે માર્ગને ‘હેરિટેજ નેશનલ હાઈવે’ બનાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત અંતર્ગત ઉક્ત માર્ગ નેશનલ હાઈવે નં. 228 થઈ ગયો હતો. વિજલપોર શહેરમાં પણ રેલવે ફાટકથી એરૂ ચાર રસ્તા સુધીનો માર્ગ નેશનલ હાઈવે નંબર 228 થયો હતો. વિજલપોરનો ઉક્ત માર્ગ નેશનલ હાઈવે બન્યા બાદ માર્ગની ગુણવત્તાની કોઈ ફરિયાદ રહી નથી. છેલ્લા 8-10 વર્ષથી માર્ગ ટીપટોપ જ રહ્યો છે. જોકે નેશનલ હાઈવેની હદમાં જ આવતા માર્ગને અડીને બનેલા ફૂટપાથની હાલત સારી રહી નથી.

આ રસ્તો જ્યારે માર્ગ મકાન વિભાગ હસ્તક હતો ત્યારે રસ્તાની લગોલગ ફૂટપાથ બની હતી. જોકે ફૂટપાથ ફાટકથી એરૂ ચાર રસ્તા સુધીની બની ન હતી, અધુરી જ બની હતી. આજે ફૂટપાથ બન્યાને 10 વર્ષથી વધુ સમય થયો છે ત્યારે આ નેશનલ હાઈવે નંબર 228ની ફૂટપાથ ચીંથરેહાલ જોવા મળી રહી છે. ઠેકઠેકાણે ફૂટપાથના બ્લોક ઉખડી ગયા છે. કેટલીક જગ્યાએ તો મોટાભાગના બ્લોક ન રહેતા ફૂટપાથ જ ગાયબ જોવા મળે છે. આ માર્ગની અડધી ફૂટપાથ અગાઉ જ બની ન હતી, જે આજદિન સુધી અધૂરી રહી છે.

વિજલપોરમાં જ્યારે ઘણાં વિસ્તારોમાં બ્લોકપેવિંગ થઈ ગયું છે ત્યારે શહેરના આ મુખ્ય માર્ગની ફૂટપાથ ફરી બની નથી. જોકે પાલિકા તંત્રનું કહેવું છે કે ઉક્ત ફૂટપાથ બનાવવાનું કોઈ જ આયોજન નથી. જોકે ફૂટપાથની સ્થિતિ જોવા સ્થળ તપાસ કરીશ. તેમણે એમ પણ કહ્યું કે વિજલપોર પાલિકા આ ફૂટપાથની કામગીરી માટે નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખી શકે છે. મળતી માહિતી મુજબ વિજલપોરના ને.હા.નં. 228 ઉપર ડામરની કામગીરીનું કામ મંજૂર થયું હોય નજીકના દિવસોમાં કામગીરી થવાની શક્યતા છે.

બોર્ડ ગેરમાર્ગે દોરે છે ?
વિજલપોર શહેરમાંથી અનેક માર્ગ પસાર થાય છે તેમાંનો એક માર્ગ રેલવે ફાટકથી એરૂ ચાર રસ્તા સુધીનો છે. આ માર્ગ નેશનલ હાઈવે નં. 228 બનતા સ્થાનિક લોકો તથા ખાસ કરીને બહારગામથી આવતા લોકોને માર્ગની જાણકારી મળે તે માટે ‘દાંડી હેરીટેજ રોડ, નેશનલ હાઈવે નં. 228’ એવું બોર્ડ મુકવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે બોર્ડ જ્યાં મુકવામાં આવ્યું છે એ રેલવે ફાટક નજીક ત્રણ રસ્તા પડે છે. કોઈ વાહન ટકરાતા યા અન્ય કારણે આ બોર્ડ ફરી ગયું છે. જેથી ફાટક-એરૂ માર્ગની જગ્યાએ ફાટક-આશાપુરી માર્ગ ને.હા.નં. 228 હોવાનું ફલિત થાય છે.