8 November 2017

નવસારી ચાંદનીચોક પાસે પાણીની લાઈનમાં ભંગાણ


નવસારી શહેરના મધ્યઝોનમાં નંખાયેલી પાણીની નવી લાઈનમાં ભંગાણ પડતા હજારો લિટર પાણી માર્ગ ઉપર વહી ગયું હતું. નવસારી શહેરના લોકોને અહીંની નગરપાલિકા બે ટાઈમ પીવાનું પાણી પુરું પાડે છે. પાણી આપવા માટે પાલિકાએ શહેરને ત્રણ ઝોનમાં વહેંચી દીધુ છે. પૂર્વઝોન, મધ્યઝોન અને પશ્ચિમ ઝોનનો સમાવેશ થાય છે. આજે મંગળવારે બપોરના ત્રણ વાગ્યા બાદ નગરપાલિકાએ મધ્યઝોનમાં પાણી પુરવઠો આપવાની શરૂઆત કરી હતી.

આ દરમિયાન થોડો સમય (10-15 મિનિટ) તો પાણીનો સપ્લાય બરાબર ચાલ્યો હતો પરંતુ સાડા ત્રણ વાગ્યાના અરસામાં ચાંદની ચોક નજીકના ડો. શેઠજીના દવાખાના આગળથી પાણી રેલાવાનું પૂરજોશમાં શરૂ થઈ ગયું હતું. પાણીની લાઈનમાં લિકેજ થવાથી પાણીનો જથ્થો ચાંદનીચોક-ગોલવાડ માર્ગ તથા નજીકના વિસ્તારમાં વહેતો થઈ ગયો હતો. લગભગ પોણો કલાક પાણીનો જથ્થો લાઈનમાં ભંગાણ પડવાથી વહેતો રહ્યો હતો અને હજારો લિટર પાણી વહી ગયું હતું.


આ અંગે મળતી માહિતી મુજબ નગરપાલિકાએ ઉક્ત ચાંદની ચોક વિસ્તારમાં તાજેતરમાં જ પાણીની નવી લાઈન નાંખી હતી. જોકે જોડાણ આપ્યું ન હતું. આજે જોડાણ આપી ટેસ્ટીંગ શરૂ કર્યું તો પાણીના ભારે પ્રેશરથી લાઈનમાં ભંગાણ પડ્યું હતું. પાણીની સર્વિસ ચાલુ હોય તુરંત તો પાલિકા તંત્ર કામગીરી કરી શક્યું ન હતું પરંતુ સર્વિસના ટાઈમમાં 20-25 મિનિટ કાપ મુકી નવી લાઈનનું જોડાણ હાલ કાઢી નંખાયાનું જાણવા મળ્યું છે.


જોકે પોણો કલાકમાં ઘણુ પાણી વહી ગયું હતું. લાઈનમાં પાણી લિકેજ થવાથી મધ્યઝોનમાં આવેલા લોકોને પાણી તો મળ્યું હતું પરંતુ પાણીનો જથ્થો થોડો ધીમી ગતિએ ઓછો મળી શક્યો હતો. લગભગ 40થી 45 હજારની વસતિને બપોરે પાણી તો મળ્યું પરંતુ પૂરતા જથ્થામાં મળ્યું ન હતું. જોકે આવતીકાલે બુધવારે વહેલી સવારની પાણીની સર્વિસ અડધો કલાક નિયત સમય કરતા વધુ આપવાનો પાલિકાએ નિર્ણય કર્યો છે.

નવસારી પાલિકાના પાણી વિભાગના અધિકારી સિટી ઈજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે પાણી લિકેજ થતા મધ્યઝોનને પાણી થોડુ ઓછુ મળ્યું હતું. જોકે આવતીકાલે સવારે થોડુ વધુ પાણી અપાશે અને બુધવારથી પાણીની સેવામાં અસર થશે નહીં.