21 November 2017

નવસારી જિલ્લાની ચારેય બેઠક પર ભાજપ-કોંગ્રેસનો સીધો મુકાબલો


નવસારી જિલ્લાની ચાર બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો જાહેર થતા મુખ્ય રાજકીય પક્ષોની સ્થિતિ મોડી સાંજે સ્પષ્ટ થઈ ગઈ હતી. નવસારી જિલ્લાની વિધાનસભાની કુલ ચાર બેઠકો છે. જેમાં જલાલપોર અને નવસારી સામાન્ય બેઠકો છે. જ્યારે ગણદેવી અને વાંસદા એમ બે બેઠકો એસટી અનામત છે. ઉક્ત ચારેય બેઠકોની સામાન્ય ચૂંટણી 9મી ડિસેમ્બરે યોજાનારી છે. આ ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો ઉપર ભાજપે અગાઉ ઉમેદવારો જાહેર કર્યા હતા. જ્યારે કોંગ્રેસ પક્ષે ગત રાત્રે ચારેય ઉમેદવારો જાહેર કર્યા હતા. ભાજપે આજે સોમવારે સાંજે ભારે વિલંબ બાદ નવસારી બેઠકમાં ઉમેદવાર જાહેર કરતા ચારેય બેઠકોનું ચિત્ર મહદઅંશે સ્પષ્ટ થઈ ગયું છે.


જલાલપોરની સામાન્ય બેઠક ઉપર ભાજપે પાંચમી વખત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી. પટેલને જ પુન: મેદાનમાં ઉતાર્યા છે તો તેમની સામે આ વખતે કોંગ્રેસે યુવા ઉમેદવાર જલાલપોર તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ કોળી જ્ઞાતિના પરિમલ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ગણદેવી બેઠક ઉપર ભાજપે આ વખતે મંગુભાઈ પટેલને ટિકિટ આપી નથી. તેમની જગ્યાએ જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ પટેલની પસંદગી કરી છે. નરેશ પટેલની સામે કોંગ્રેસે તાજેતરમાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા હળપતિ આગેવાન સુરેશ હળપતિ (બાપા સીતારામ)ને મેદાનમાં ઉતાર્યા છે.



વાંસદાની બેઠક ઉપર ભાજપે ગણપત માહલાની પસંદગી કરી છે. તેની સામે કોંગ્રેસે વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ અનંત પટેલને મેદાન ઉપર ઉતાર્યા છે. નવસારી બેઠક ઉપર ભાજપને ઉમેદવારની પસંદગી કરવામાં નવનેજા ઉતર્યા હતા. સોમવારે સાંજે અનેક અટકળો બાદ ભાજપે નવસારી બેઠક ઉપર પિયુષ દેસાઈનું જ નામ જાહેર કરી દીધુ હતું. પિયુષ દેસાઈનો મુકાબલો કોંગ્રેસના મહિલા કોળી જ્ઞાતિના ઉમેદવાર ભાવનાબેન પટેલ સાથે થશે.

અહીં ઉલ્લેખનીય છે કે ચાર બેઠક ઉપર અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા છે પરંતુ મુખ્ય સ્પર્ધા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જ થશે એ નક્કી છે. હાલમાં તો નવસારી અને જલાલપોર બેઠક પર રભાજપ અને કોંગ્રેસમાં પોતાના જ ઉમેદવાર સામે કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. આવનાર સમય જ સમગ્ર ચિ્તર સ્પષ્ટ કરશે. આ જે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય બાકી ઉમેદવારો ફોર્મ ભરશે.