12 November 2017

મહાવીર સિરામીકમાં મોડી સાંજે આગથી લોકોમાં ભય ફેલાયો


નવસારીમાં બારડોલી તરફ જતા રોડ ઉપર આવેલી મહાવીર ગ્રેનાઈટ સિરામીક સેનેટરીમાં મોડી સાંજે અચાનક આગ લાગતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. નવસારી-વિજલપોર ફાયરબ્રિગેડના જવાનો આગ ઉપર કાબૂ મેળવવા પ્રયત્નશીલ છે. જ્યારે પોલીસ લોકોને ઘટનાસ્થળેથી દુર ખસેડવા અને આગ બુઝાવવામાં ફાયરબ્રિગેડને અડચણ ન આવે તેવા પ્રયાસ કરી રહી છે.

નવસારીમાં ગ્રીડ નજીક નવસારીથી બારડોલી તરફ જતા રોડ ઉપર મહાવીર ગ્રેનાઈટ સિરામીક સેનેટરી યુનિટ આવેલુ છે. જેમાં ઓફિસ અને ગોડાઉન સહિત એક જ વિસ્તારમાં આવેલા છે. મહાવીર ગ્રેનાઈટ સિરામીકની ઓફિસમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી ગઈ હતી.


જોકે ગણતરીની મિનિટોમાં જ સમગ્ર યુનિટમાં આગ પ્રસરી ગઈ હતી. જેના કારણે ગ્રીડ વિસ્તારમાં આ આગની જ્વાળા દેખાતા લોકો ભયભીત બન્યા હતા. મહાવીર સિરામીકમાં આગ લાગવાની ઘટનાની ફાયરબ્રિગેડમાં જાણ થતા જ નવસારી, વિજલપોરના ફાયરબ્રિગેડના જવાનોની ટીમ બંબા સાથે ઘટનાસ્થળે ધસી ગઈ હતી.


જોકે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા તેને બુઝાવવામાં ફાયરબ્રિગેડના જવાનોને ભારે મુશ્કેલી પડી રહી હતી. આ લખાય છે ત્યારે ઘટનાસ્થળે લોકટોળુ ઉમટી પડતા પોલીસે ઘટનાસ્થળે ધસી જઈ લોકોને ત્યાંથી દૂર કર્યા હતા અને ફાયરબ્રિગેડના જવાનોને આગ બુઝાવવામાં કોઈ તકલીફ ન પડે અને તેમને કોઈ અડચણ ન બને તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ આગનું ભયંકર સ્વરૂપ જોતા લાખો રૂપિયાનો સરસામાન આ આગમાં બળીને ખાખ થઈ ગયો હોવાનો અંદાજ લગાવાય રહ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.