30 November 2017

નવસારીમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીની જાહેરસભા યોજાઈ


મોદીએ જાહેરસભામાં કોંગ્રેસને આડે હાથ લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કોંગ્રેસી નીતિરીતિ સામે જ સવાલો ઉભા કરી દઈને દેશનું સુકાન તેમના હાથમાં ન જાય તે માટે કોંગ્રેસના સૂપડા સાફ કરી દેવાની હાકલ કરી હતી.

રાજ્યના મુખ્યમંત્રી બાદ દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમણે કરેલી કામગીરી અને વિવિધ સરકારી યોજનાઓ ઉપર તેમણે પ્રકાશ પાડ્યો હતો. તેમણે દેશને મહાસત્તા તરફ આગેકૂચ કરી રહ્યાનું જણાવી દુનિયાના દેશો હિન્દુસ્તાનની વાહવાહ કરે છે ત્યારે કોંગ્રેસ દેશને નીચુ જોવાનું થાય તેવા કામો કરે છે તેવું કહી નિશાન તાક્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને બીએસએફ, સીઆરપીએફ જવાનોએ પુરા કરી દીધા છે.


જીએસટી બાદ મહારાષ્ટ્રમાં થયેલી ચૂંટણીઓમાં ભાજપની જીત અને નોટબંધી બાદ યુ.પીમાં ભાજપની જીતનો ઉલ્લેખ કરી તેમની કાર્યપ્રણાલીનો સ્વીકાર કર્યાનું ફલિત થયું હોવાનું જણાવ્યું હતું. તેમણે સર્જીકલ સ્ટ્રાઈક મુદ્દે પણ કોંગ્રેસને આડેહાથ લીધી હતી.


આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા સ્થાનિક મુદ્દા ગજવ્યા

અમરનાથમાં ગુજરાતી પર હુમલો
અમરનાથ યાત્રા વેળા બે વખત ગુજરાતી ઉપર હુમલો થયો હતો. બંનેના પરિણામ અલગ છે. સુરત, વલસાડના યાત્રીઓ ઉપર હુમલો થયો ત્યારે આતંકીઓ સલામત જગ્યાએ પહોંચી ગયા હતા. જ્યારે આ વખતે ત્રણ મહિનામાં આતંકીઓને સાફ કરાયા છે.

પાકિસ્તાની આતંકવાદી અને કોંગ્રેસ
જ્યારે પાકિસ્તાની કોર્ટે આતંકવાદીઓને છોડે છે ત્યારે કોંગ્રેસીઓ તાળી પાડે છે. ખરેખર તેની સામે અવાજ ઉઠવો જોઈએ. પાકિસ્તાનને ખુલ્લો પાડવા આનાથી સારો અવસર ન હતો.

કાશ્મીર સમસ્યા
કાશ્મીરની સમસ્યા માટે ગુનેગાર કોણ? નિર્દોષો મર્યા તેના જવાબદાર કોણ? ઈચ્છાશક્તિ હોય તો પરિણામ આવે તે બતાવ્યું છે. કાશ્મીરમાં આતંકવાદીઓને મારવામાં બે સેન્ચુરી પૂરી કરાઈ છે.

આદિવાસી કલ્યાણ
હું જ્યારથી પ્રધાનમંત્રી બન્યો ત્યારથી આદિવાસીઓમાં પ્રવર્તતા સિકલસેલના રોગ માટે મેડિસિન માટે નિષ્ણાંતો સાથે ચર્ચા કરવાનો ભૂલતો નથી. આદિવાસી વિસ્તારમાં પાણી માટે 3 હજાર કરોડની યોજના બનાવી 900 ગામોમાં ઘરમાં નળ વાટે પાણી આપ્યું.

નાના વેપારીને ફાયદાકારક નિર્ણય
આપણે ત્યાં મોટા મોટા ‘મોલ’ આખી રાત ધંધો કરી શકતા હતા. જ્યારે નાના વેપારીને ગુમાસ્તાધારાની આડમાં રાત્રે ધંધો કરી શકાતો ન હતો. અમે કાયદો કરીને નાના વેપારી માટેની સમયમર્યાદા દૂર કરી છે.

ગુજરાતના ગધેડા
કોંગ્રેસ વોટ તો યુ.પી.ની ચૂંટણીમાં માંગતી હતી પરંતુ યાદ ગુજરાતના ગધેડાને કહી ગાળ આપતી હતી. ગુજરાતના ગધેડા ચૂંટણી હરાવતા હોય તો ગુજરાતની જનતા જાગી ગઈ છે અને હિસાબ ચૂકતે કરશે.

લોકતંત્ર, ગુજરાત અને ગાંધી પરિવાર
એક પરિવાર  ગુજરાતનો ઘોર વિરોધી છે. આ પરિવારને ‘મોદી’ કેવી રીતે આવી ગયો તે સહન થતું નથી. તેઓ ઝેર ઓકવા સિવાય કઈ કરતા નથી.

ડોકલામ વિવાદ
ડોકલામમાં 70 દિવસ સુધી ભારતના સૈનિકો ચીન સામે ઉભા રહી ટસના મસ થયા ન હતા. કોઈપણ હિંદુસ્તાનીને આ બાબતે ગર્વ થાય ત્યારે કોંગ્રેસે શું કર્યું. કોંગ્રેસના નેતા આ સમયે ચીનના રાજદૂત સાથે ‘આ ગલે લગ જા’ કરતા હતા.

કોંગ્રેસ દ્વારા ભારતનું અહિત
દુનિયા ભારતની ‘વાહ વાહ’ કરે છે ત્યારે કોંગ્રેસ એટલી હદે વિરોધ કરે છે કે ભારતનું અહિત થાય ! મોદી સામે વિરોધ હોય તો કરો પરંતુ ભારતને નુકસાન થાય તેવું શા માટે કરો છો.

વિદેશ નીતિ
અમે ભારતના ફાયદાની વિદેશ નીતિ કરી છે. જે થકી બે વર્ષ પહેલા ઈરાકમાં ફસાયેલા 149 જણાંને પરત લાવી શક્યા હતા. શ્રીલંકામાં પાંચ આપણા માછીમારોને ફાંસીની સજા બાદ જીવતા લાવ્યા છે. ગલ્ફમાં અનેકને ફાંસીની સજા થઈ હતી તેમને જન્મટીપ કરાવવામાં સફળતા મેળવી છે.

કોંગ્રેસની હાલત
એક સમય હતો કે કોંગ્રેસ પાર્ટી સાથે મહાત્મા ગાંધી અને સરદારના નામ જોડાયેલા હતા. આજે એવા લોકો પાસે પાર્ટી ગઈ છે કે પીડા થાય છે.

મુદ્રા યોજના
કોઈપણ બેંક ગેરેન્ટી વિના લાખોની લોન આપવાની મુદ્રા યોજના લાવ્યા છે. આ યોજના થકી 9 કરોડ કરતા વધુ લોકોએ લાભ લીધો છે. 50 ટકા કરતા વધુ લોન તો મહિલાઓએ લીધી છે.

સ્વચ્છતા અભિયાન
આપણો દેશ સ્વચ્છ રહે તે માટે ‘સ્વચ્છતા અભિયાન’ શરૂ કરાયું છે ત્યારે કોંગ્રેસવાળા સ્વચ્છતાની ય મજાક ઉડાવે છે.

સર્જીકલ સ્ટ્રાઈક
સર્જીકલ સ્ટ્રાઈક કરી આપણા સૈનિકો સહીસલામત પરત ભારત આવ્યા ત્યારે તેમાંય કોંગ્રેસને વાંધો છે. કહે છે ‘સબૂત આપો’ શું સૈનિકો ફોટા પડાવવા ગયા હતા.

એલઈડી બલ્બ યોજના
કોંગ્રેસના સમયમાં પણ એલઈડી બલ્બ હતો પરંતુ તેમને એલઈડી બલ્બ યોજના લાવવાનું સૂઝયુ નહતું. તે સમયે 350માં જે બલ્બ મળતો હતો તે અમે 50થી 70 રૂપિયામાં લોકોને આપ્યો છે. 3 કરોડ એલઈડીનું વેચાણ કર્યું છે.

ગેસ કનેકશન
ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ગેસ કનેકશન માટે ફાંફાં મારતા હતા. સાહેબોને સલામ કરતા હતા ત્યારે અમે 3 કરોડ કુટુંબોને ગેસના કનેકશન આપી દીધા છે અને વધુ 2 કરોડ લોકોને અપાશે.

હાર્ટ સ્ટેન્ટ
આપણે ત્યાં હૃદય માટેની સ્ટેન્ટ 2 લાખ રૂપિયામાં મળતી હતી જે ગરીબ-મધ્યમવર્ગની પહોંચની બહાર હતું. અમે વચેટીયાઓની મલાઈ હટાવી આ ભાવ 80 ટકા નીચે લાવી 20-25 હજારમાં સ્ટેન્ટ મળતી કરી છે.