7 November 2017

નવસારી એસટી સ્ટેન્ડનું કામચલાઉ સ્થળાંતર કરાશે


નવસારીના બસ સ્ટેન્ડની જગ્યા બદલવામાં આવશે. કરોડોના ખર્ચે નવું બસ ટર્મિનલ બનાવવાની કામગીરી શરૂ થવાની હોય હાલના વર્કશોપની નજીકની જગ્યાએ બસ સ્ટેન્ડ કાર્યરત કરાશે.

નવસારીના એસટી બસ ડેપોની ગણના રાજ્યના મોટા બસ ડેપોમાં થાય છે. અહીંથી મોટી સંખ્યામાં બસ ટ્રીપોની આવનજાવન થાય છે. સરકારે રાજ્યના મોટા ડેપોની જગ્યાએ અદ્યતન બસ ટર્મિનલ બનાવવાનો નિર્ણય લીધો હતો. અંદાજે 100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનનાર બસ ટર્મિનલનું ખાતમુહૂર્ત ત્રણ-ચાર મહિના અગાઉ કરવામાં આવ્યું હતું. જોકે હજુ નવીન ટર્મિનલનું કામ શરૂ કરાયું નથી. નવસારીનો બસડેપો છે. તેમાં બસસ્ટેન્ડ (મુસાફરોની આવજા) ઉત્તર બાજુએ છે તથા એસટીનો વર્કશોપ રસ્તાની સામી બાજુ દક્ષિણ બાજુએ છે. મળતી માહિતી મુજબ હાલ બસ સ્ટેન્ડ જ્યાં છે જગ્યાએ નવીન બસ ટર્મિનલનું કામકાજ શરૂ થનાર છે. જેને લઈને બસ સ્ટેન્ડ હાલમાં જ્યાં વર્કશોપ છે એ જગ્યા નજીક કાર્યરત કરવામાં આવશે.

બસ સ્ટેન્ડ જ્યાં કાર્યરત થનાર છે એ જગ્યાએ પ્લેટફોર્મના શેડ સહિતની કામગીરી કરવામાં આવી છે. બસ સ્ટેન્ડ શિફ્ટ કરાઈ રહ્યાના બેનર પણ લગાવવામાં આવ્યું છે. જોકે હજુ સ્થાળાંતર કરાયું નથી. જોકે આ સ્થાળાંતર કાયમી નથી. આ અંગે નવસારી એસટી ડેપોના મેનેજર એસ. એ. મોમીએ જણાવ્યું કે બસ સ્ટેન્ડનું સ્થાળાંતર મોટાભાગે ચાલુ માસમાં (નવેમ્બરમાં) કરાઈ જશે.