4 November 2017

રાહુલની સભાને લઈને નવસારીનો ટ્રાફિક ખોરવાયો


નવસારીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભા નવસારી પાલિકા પટાંગણ નજીક રાખવામાં આવી હતી. સભાનો સમય આમ તો બપોર બાદ 4.40 કલાકનો હતો પરંતુ જે સ્થળે સભા હતી ત્યાંથી શહેરનો એક મુખ્ય માર્ગ પસાર થતો હોઈ સવારથી પોલીસે રસ્તા ઉપર બેરીકેટો મુકી ટ્રાફિક કંટ્રોલ કરવાની શરૂઆત કરી હતી. નવસારી શાકમાર્કેટની ઉત્તરે બેરીકેટ મુકી માર્ગ બંધ કરાતા માર્કેટમાં જવા-આવવાની મુશ્કેલી પડી હતી. દક્ષિણ બાજુએથી અવરજવર કરાતી હતી પરંતુ ઉત્તરે રસ્તો બંધ હતો.

સભા દરમિયાન દુધિયા તળાવથી પાલિકા તરફ જતો રસ્તો બંધ કરાયો હોય લોકોએ અન્ય માર્ગનો ઉપયોગ કરવો પડ્યો હતો. ટ્રાફિકની મુશ્કેલી સભા પૂર્ણ થયા બાદ થઈ હતી. ગોલવાડથી ટાવર, ચાંદની ચોકથી ગોલવાડા, પાલિકા કચેરીથી ટાવર સહિતના માર્ગો ઉપર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. એકસાથે મોટી સંખ્યામાં વાહનો ઉક્ત માર્ગો ઉપર જતા અવરજવર મુશ્કેલી પડી હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી.

સભા પહેલાં કેટલાંક રસ્તા બેરિકેટ મૂકી બંધ કરાયા, સભા પૂર્ણ થયા બાદ ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા