26 November 2017

ડુપ્લિકેટ ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ


નવસારીમાં વિરાવળ-ભેંસતખાડા રિંગરોડ ઉપર આવેલા ફીટ ટુ લાઈવ જીમની સામે રોડ ઉપરથી નવસારી ટાઉન પોલીસે બનાવટી ચલણી રૂ. 2000, 200ની નોટ સાથે પશ્ચિમ બંગાળના શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી બનાવટી ચલણી નોટો કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવટી ચલણી નોટ નવસારી સુધી પહોંચતા આ મુદ્દો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આ ઘટનાને પગલે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે પણ હિલચાલ વધારી દીધી છે. પોલીસે રૂ. 40,400ની ડુપ્લીકેટ નોટ કબજે લીધી હતી.

સરકાર દ્વારા નોટબંધી કરીને નવી રૂ. 2000, 500 અને 200ના દરની નવી ચલણી નોટ અમલમાં મુકી હતી. એ વખતે સરકાર દ્વારા આ નોટનું ડુપ્લિકેશન નહીં કરાય તેવી વાત કરી હતી પરંતુ તે બાબતોને ગણતરીના મહિનાઓમાં જ છેદ ઉડી ગયો હતો. આ નવી નોટનું પણ ડુપ્લિકેશન થતા સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. આ ડુપ્લિકેટ નોટ ભારતના અર્થતંત્રમાં ઘુસાડી દેવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. તેનું કાવતરુ માત્ર મોટા શહેરોમાં જ નહીં પરંતુ નાના નાના શહેરોમાં પણ પાર પાડવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.


નવસારી ટાઉન પોલીસ મથકના પીઆઈ જી.આર. રબારી અને તેમની ટીમે આ કાવતરાને ખુલ્લું પાડ્યું છે. રૂ. 2000 તથા રૂ. 200ના દરની ડુપ્લિકેટ ચલણી નોટ સાથે એક ઈસમને રિંગરોડ ઉપર ભેંસતખાડા પાસે ફીટ ટુ લાઈવ જીમની સામેથી ઝડપી પાડ્યો હતો. હેડકોન્સ્ટેબલ નિલેશ અને કોન્સ્ટેબલ નિમેષભાઈને બાતમી મળી હતી કે સુરતથી મોર સલીમ શેખ આજે બનાવટી (ડુપ્લિકેટ) ચલણી નોટો લઈને નવસારી વિરાવળ રિંગરોડ સામે રોડ ઉપરથી પસાર થનાર છે.

એ બાતમીના આધારે પીઆઈ રબારી, પીએસઆઈ ઠુમ્મર, હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ, નિલેશભાઈ, દિનેશભાઈ, ભારતસિંહ, કોન્સ્ટેબલ કાંતિલાલ, ભાવેશભાઈ, વિપુલભાઈએ વોચ ગોઠવી હતી અને મોર સલીમ શેખને ઝડપી પાડ્યો હતો. મોર સલીમ આબુલ અમીનુદ્દીન શેખ (રહે. રુકુનપુર, જિ. મુર્શીદાબાદ, વેસ્ટ બંગાળ, હાલ રહે. ઉન, મગદુમનગર, તિરૂપતિ ગોસીયા મસ્જિદ પાસે ભાડેના મકાનમાં)ની અંગઝડતી કરતા તેની પાસેથી રૂ. 2000ના દરની ડુપ્લિકેટ ચલણી નોટ નંગ 15 તથા રૂ. 200ના દરની ડુપ્લિકેટ નોટ નંગ 52 તથા રૂ. 270 અસલી ચલણી નોટ, એક મોબાઈલ (રૂ. 500) મળી આવતા તેનો પોલીસે કબજો લીધો હતો. પોલીસે ઝડપેલા મોર સલીમ સામે ગુનો નોંધી વધુ તપાસ એસઓજી પીઆઈ એ.એસ.પાટીલે હાથ ધરી છે.

આરોપી અગાઉ પણ ડુપ્લિકેટ નોટ સાથે પકડાયો હતો

મોર સલીમ આબુલ અમીનુદ્દીન શેખ અગાઉ વર્ષ 2015માં પણ ઝડપાયો હતો. તેની સાથે અન્ય બે જણાં પકડાયા હતા. વર્ષ 2016માં જ તે જેલમાંથી છૂટ્યો હોવાની માહિતી સાંપડી છે. નવસારીમાં ડુપ્લિકેટ ચલણી નોટ તે કોને આપવાનો હતો અને તેના અન્ય સાથીદારો કોણ કોણ છે અને તેનું નેટવર્ક કોણ ચલાવે છે . તે સમગ્ર હકીકત મેળવવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.