17 November 2017

પાર્કિંગના જાહેરનામાની ઐસીતૈસી, તંત્ર ચૂપ


નવસારી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તથા પાર્કિંગની જગ્યા નક્કી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડેલા જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. જાહેરનામા અંતર્ગત પાર્કિંગ થતા ટ્રાફિકની સમસ્યા યથાવત રહી છે.

નવસારી શહેરમાં છેલ્લા કેટલાક વરસોમાં તમામ પ્રકારના વાહનોની સંખ્યામાં ભારે વધારો થયો છે. વધેલા વાહનોની સરખામણીમાં શહેરના રસ્તાની સંખ્યા તથા પહોળાઈમાં ખુબ ઓછો યા નહીંવત વધારો થયો છે. જેને લઈને શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં ભારે વધારો થયો છે. વધેલા વાહનોની સરખામણીએ શહેરમાં પાર્કિંગની જગ્યા ઉભી કરાઈ નથી. જેથી પાર્કિંગ પણ આડેધડ થાય છે.

ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને હળવી કરવા આજથી પોણા ત્રણ વર્ષ અગાઉ તે વેળાના કલેકટર રેમ્યા મોહને તા. 19-1-15ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટની રૂએ એક જાહેરનામુ બહાર પાડ્યું હતું. જાહેરનામા અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટે સને 1951ના મુંબઈ પોલીસ અધિનિયમની કલમ 33(1)(બી) મુજબ શહેરમાં આવેલા કેટલાક રસ્તાઓ ઉપર ‘એકી’ યા ‘બેકી’ તારીખે ડાબી યા જમણી બાજુએ વાહનો પાર્ક કરવા આદેશ કર્યો હતો. જણાવેલી જગ્યા સિવાયની જગ્યાએ વાહનો પાર્ક કરવા ઉપર પ્રતિબંધ પણ ફરમાવ્યો હતો.

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નવસારી શહેરમાં વાહનોના પાર્કિંગ માટે જાહેરનામુ બહાર પડાયા બાદ જે માર્ગો ઉપર વાહનપાર્કિંગ માટે એકી યા બેકી તથા ડાબી યા જમણી બાજુ દર્શાવાયું હતું તે અંગેના બોર્ડ પણ જે તે માર્ગ ઉપર મુકવામાં આવ્યા હતા (જોકે હાલ કેટલાક બોર્ડ રહ્યા છે કેટલાક તૂટી ગયાનું પણ જોવાયું છે) શહેરમાં વાહનોના પાર્કિંગ અંગે મેજિસ્ટ્રેટના જાહેરનામા અંતર્ગત બોર્ડ મુકવામાં આવ્યા છતાં બોર્ડ અને જાહેરનામા મુજબ પાર્કિંગ મોટાભાગે થતું નથી. જ્યારે એકી તારીખે પાર્કિંગ કરવું દર્શાવ્યું છે ત્યાં બેકી તારીખે વાહન પાર્ક થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પાર્કિંગના જાહેરનામાનો ભંગ થાય છે. તંત્રએ પણ જાહેરનામાનો ભંગ થાય તેવા કિસ્સામાં ભાગ્યે પગલાં લીધા હોય એમ જણાય છે.

અહીં પાટિયા શોભાના ગાઠિયા 
  • જૂનાથાણાથી પાંચહાટડી થઈ લાયબ્રેરી ત્રણ રસ્તા. 
  • લાયબ્રેરી ત્રણ રસ્તાથી નગરપાલિકા સંચાલિત કન્યાશાળા નં. 1, સેન્ટ્રલ બેંક ત્રણ રસ્તા. 
  • ટાવર સર્કલથી ગોલવાડ ચોકી. 
  • ગોલવાડ ચોકીથી ફુવારા સર્કલ 
  • ટાવર સર્કલથી પોલીસ સ્ટેશન થઈ ખાટકીવાડ મસ્જિદ. 
  • બાના કલબથી એસટી ડેપો થઈ ચારપુલ ચોકી ચાર રસ્તા થઈ પ્રજાપતિ આશ્રમ ચાર રસ્તા. 
  • પ્રજાપતિ આશ્રમથી લાયબ્રેરી ત્રણ રસ્તા. 
  • સેન્ટ્રલ બેંક ત્રણ રસ્તા (ટાવર સર્કલ)થી વિકાસ વન-વને થઈ નગરપાલિકા. 
(નોંધ : ઉક્ત વિસ્તારોમાં પાર્કિંગ માટે એકી અને બેકી તારીખે ડાબી-જમણી બાજુ નક્કી થયા હતા)