13 November 2017

નુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં ફેરફારની શક્યતા


નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (નુડા)નો ડેવલપમેન્ટ પ્લાન (ડી.પી) બદલાશે નુડામાંથી 9 ગામો બાકાત કરાતા સ્થિતિ સર્જાઇ છે.

રાજ્ય સરકારે ડિસેમ્બર 2015 માં નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (નુડા)ની રચના કરી હતી. તે સમયે નુડામાં 97 ગામો અને 2 શહેરો સામેલ કરવામાં આવ્યા હતા.જોકે વધુ પડતા અને શહેરથી દૂરના ગામોનો નુડામાં સમાવેશ કરવામાં આવતા ઘણા ગામોમાંથી નુડાનો વિરોધ થયો હતો. વિરોધને લઇને રાજ્ય સરકારે નુડાનું પુન: જાહેરનામું બહાર પાડવું પડ્યું હતુ. જાહેરનામામાં ઘણા ગામોને કાઢી નાંખી 24 ગામો અને 2 શહેરોને નુડામાં રાખવામાં આવ્યા હતા.

નુડામાં 24 ગામ,2 શહેરોનો સમાવેશ કરાયા બાદ નુડાએ તેનો ડેવલપમેન્ટ પ્લાન (ડી.પી) બનાવવાની કસરત શરૂ કરી હતી. ભારે જહેમત બાદ થોડો સમય અગાઉ જિલ્લા કલેક્ટરે નુડાનો ડી.પી.જાહેર કર્યો હતો. ડી.પીમાં રહેણાંક ઝોન,ખેતીવાડી ઝોન,ઔદ્યોગિક ઝોન વિગેરે બનાવવામાં આવ્યા હતા. રીંગરોડ સહિતના રસ્તાઓ આપવામાં આવ્યા હતા. ઉપરાંત પણ કેટલાક પ્રાવધાન કરવામાં આવ્યા હતા.નુડાનો ડી.પી.બન્યા બાદ હાલમાં સરકારે વધુ એક નુડાનું જાહેરનામું બહાર પાડ્યું છે.

જેમાં પૂર્ણા નદીપારનાં નવ ગામો જેવાં કે આમરી,કસ્બાપાર, સરઇ, ધામણ, પડઘા, આમડપોર, પરથાણ,વેજલપોર અને કાદીપોર નુડામાંથી કાઢી નાંખ્યા છે. નવ ગામો બાકાત થતાં હવે નુડામાં માત્ર 15 ગામો અને 2 શહેરો રહ્યાં છે. ડી.પી.બન્યા બાદ નવ ગામો નીકળી જતા હવે અગાઉ બનેલ ડી.પી.કાર્યરત રહી શકે એમ નથી.કારણે રસ્તાઓનાં આયોજન,વિવિધ ઝોનની યથાસ્થિતિ ઉપરાંત કેટલીક બાબતો બદલાઇ શકે છે. 9 ગામો નીકળી જતાં હવે નુડાનો વિસ્તાર પણ ઓછો થઇ ગયો છે જેને લઇને જાણકારોનાં જણાવ્યા મુજબ ડેવલપમેન્ટ પ્લાન નાનો થવાની સાથે કેટલાક ફેરફારો પણ થઇ શકે છે. જોકે સમગ્ર ડી.પી. નવેસરથી બની શકે કે હયાત ડી.પી.માં માત્ર ફેરફાર થશે તે જાણી શકાયું નથી.

નુડાનાં મુખ્ય કારોબારી અધિકારી કે.એસ.વસાવાએ જણાવ્યું કે," નુડામાંથી 9 ગામો બાકાત કરાતાં હાલના ડી.પી.માં ફેરફાર થવાની શક્યતા છે. જોકે હજુ બાબતે સરકારમાંથી કોઇ સૂચના મળી નથી’.

ડી.પી.માં બુલેટટ્રેનનો ઉલ્લેખ કરવામાં આવશે ખરો ? 
નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીનાં ડેવલપમેન્ટ પ્લાન (ડી.પી.) થોડા સમય અગાઉ જાહેર કરાયો હતો. ડી.પી.માં અનેક પ્રાવધાનો તો કરવામાં આવ્યા પરંતુ વિસ્તારમાંથી સૂચિત બુલેટ ટ્રેન પણ પસાર થવાની જાહેરાત થઇ ચૂકી હોવા છતાં ડી.પી.માં બુલેટ ટ્રેન બતાવવામાં આવી હતી.આ બાબતની રજુઆત નવસારીના જાગૃત નાગરિક વિનોદ દેસાઇ (સી.એ) કરી હતી. હવે નુડાના હાલનો ડી.પી.બદલાશે ત્યારે પ્રશ્ન છે કે નવા ડી.પી.માં બુલેટ ટ્રેનનો ઉલ્લેખ કરાશે ખરો ?