29 November 2017

નવસારીમાં આજે મોદીની સભા, મહત્તમ માર્ગો ડાયવર્ટ


દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બુધવારે નવસારીના લુન્સીકૂઈ મેદાનમાં જાહેરસભાને સંબોધવાના હોવાના પગલે તેમની સલામતીને ધ્યાનમાં રાખી લુન્સીકૂઈ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. અધુરામાં પુરુ આ લુન્સીકૂઈ મેદાન સુધી વડાપ્રધાનને સાંભળવા લોકોએ 1 કિ.મી.થી લઈ દોઢ કિ.મી. સુધી ચાલતા જ લંબાવવું પડશે, કારણ કે વાહનોનું પાર્કિંગ દુર દુર રાખવામાં આવ્યું છે.

ભાજપના કાર્યકરોને ચૂંટણી માટે ઓક્સિજન પૂરો પાડશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી નવસારીમાં જાહેર સભાને સંબોધવાના છે. તેઓ સાંજના સમયે નવસારી લુન્સીકૂઈ મેદાનમાં પહોંચશે અને ભાજપના કાર્યકરોને ચૂંટણી માટે ઓક્સિજન પૂરો પાડશે. હાલ નવસારી જિલ્લાની જલાલપોર, ગણદેવી, નવસારી અને વાંસદાની બેઠકોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. તેમાંય ગણદેવીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. જેમાં માજી સાંસદ કાનજી પટેલના દીકરા સુનિલ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

1500થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો

આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જરૂરી છે ત્યારે વડાપ્રધાનની આ જાહેરસભા ભાજપ કાર્યકરો માટે ઘણી મહત્ત્વપૂર્ણ છે. જોકે તેનાથી વિપરીત સામાન્ય લોકોએ આ જાહેરસભાને કારણે ઘણી મુશ્કેલી વેઠવી પડે તેવી શક્યતા છે. શહેરને જોડતા મહત્તમ રસ્તાઓને ડાયવર્ઝન આપી દેવાયું છે. આ ઉપરાંત લુન્સીકૂઈ તથા તેની આસપાસનો વિસ્તાર મળી અંદાજિત 1500થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાતા આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાય ગયો છે.

વડાપ્રધાનની સભા સ્થળે પહોંચવા દોઢ કિ.મી. પગપાળા
વડાપ્રધાનની સભા સ્થળે પહોંચવા માટે કાર્યકરોએ 1થી દોઢ કિ.મી. દૂર પોતાના વાહનો પાર્કિંગમાં મુકીને પગપાળા આવવું પડશે. જેના પગલે લોકોને મુશ્કેલી વેઠવી પડશે. આ ઉપરાંત લુન્સીકૂઈનું મેદાન જોતા તેમાં બેસવા માટે લોકોને પૂરતી જગ્યા મળશે કે કેમ તેવા સવાલો પણ ઉભા થયા છે. જો લોકોને બેસવાની જગ્યા નહીં મળે તો ઉહાપોહ થવાની શક્યતા પણ પ્રબળ છે.

મંગળવારથી જ ટ્રાફિક અસરગ્રસ્ત થયો
નવસારીમાં 29મીએ લુન્સીકૂઈ મેદાનમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીની અસર 28મીથી જ ટ્રાફિક ઉપર પડવાની શરૂઆત થઈ ગઈ હતી. ચારે તરફથી જાહેરસભાના સ્થળ લુન્સીકૂઈ મેદાન જતા માર્ગ ઉપર પોલીસે બેરેક ખડા કરી દીધા હતા. લુન્સીકૂઇ મેદાનની ફરતેના માર્ગો ઉપર ‘પોલીસ જ પોલીસ’ નજરે પડી હતી. લુન્સીકૂઈ નજીકના માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકો અટવાયા હતા.

બહારથી આવનારા વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા
 • ઈંટાળવાથી આવતા થ્રી-ફોર વ્હિલ વાહનો બી.આર.ફાર્મની બાજુના ખુલ્લા મેદાનમાં તથા સિરવઈ પાર્ટીપ્લોટમાં પાર્ક કરી શકાશે.
 • ઈંટાળવાથી લુન્સીકૂઈ તરફ આવતા વાહનો સાંઈ ગરબા ગ્રાઉન્ડમાં તથા ડી નવીન ડાયમંડ ફેકટરીની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં પાર્ક કરી શકાશે.
 • ઈંટાળવાથી પારસી હોસ્પિટલ તરફ આવતા ટુવ્હિલ વાહનો વિદ્યાકુંજ સ્કૂલ તથા કોન્વેન્ટ સ્કૂલમાં પાર્ક કરી શકાશે.
 • ગ્રીડથી આવતા વાહનો શ્રીજી એન્ટરપ્રાઈઝ પાસે મેદાનમાં તથા સ્વપ્નલોક સોસાયટી  મેદાનમાં તથા નવસારી જૂના એસટી ડેપોમાં પાર્ક કરી શકાશે.
 • છાપરા રોડ, વિજલપોર, નવસારીમાંથી આવતા વાહનો ટાટા હોલ પાસે મેદાનમાં તથા સિંધી કેમ્પ જતા દરગાહની બાજુમાં મેદાનમાં પાર્ક કરી શકાશે.
 • વાઘેશ્વરી મંદિરથી ધર્મિનગર સોસાયટી તરફ જતા ઈશ્વરદર્શન સોસાયટીના કોમન પ્લોટમાં વાહન પાર્ક કરી શકાશે.

પાર્કિંગ વ્યવસ્થા તથા ડાયવર્ઝન રૂટની વિગત
 • 29મીએ સાંજે 5 કલાકથી ઈંટાળવા ત્રણ રસ્તાથી નવસારી શહેર તરફ આવવાનો રસ્તો બંધ કરવામાં આવશે. જેથી નવસારી શહેરમાં આવવા માટે ઈંટાળવા ત્રણ રસ્તાથી ગાંધીસ્મૃતિ ફાટક થઈ એરૂ ચાર રસ્તા થઈ રેલવે સ્ટેશન થઈ નવસારી શહેરમાં પ્રવેશ કરી શકાશે.
 • જૂનાથાણાથી એમ.ટી. સર્કલથી ઈંટાળવા તરફ જતો રસ્તો બંધ કરવામાં આવશે. જેથી એમ.ટી. ચારરસ્તાથી દશેરા ટેકરી થઈ કલેકટર કચેરી થઈ ગ્રીડ થઈ ગણદેવી તરફ જઈ શકાશે.
 • સિંધી કેમ્પથી પ્રિતમ ચોક થઈ લુન્સીકૂઈ તરફ આવતા વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવશે.
 • ચારપુલ ચોકીથી લુન્સીકૂઈ તરફ આવતા વાહનો માટે રસ્તો બંધ કરાવવામાં આવશે.
 • પ્રેમ રેસિડેન્સીથી લુન્સીકૂઈ તરફ આવતા વાહનો માટે રસ્તો બંધ કરાવવામાં આવશે.
 • સૂર્યમ બંગ્લોઝથી બાજપેયી ગાર્ડનથી લુન્સીકૂઈ તરફ આવતા વાહનો માટે રસ્તો બંધ કરાવવામાં આવશે.