1 November 2017

સરદાર જયંતીએ સરદાર પ્રતિમાનો વિવાદ


સરદાર પટેલ જયંતીની ઉજવણી વેળા નવસારીમાં આવેલી સરદારની પ્રતિમા નીચે માહિતી લખવાને લઈને વિવાદ થયો હતો. એડવોકેટ કનુભાઈ સુખડીયાએ સરદારની પ્રતિમા નીચે માહિતી ન હોવાથી સરદારને લગતી માહિતી લખવાની સાથે જય પાટીદાર લખી દીધુ હતું, જેને પાલિકા તંત્રએ દૂર કર્યું હતું.

આજે 31મી ઓકટોબરને સરદાર પટેલની જન્મજયંતી હતી. સરદાર જયંતીને લઈ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા તેમની નવસારી પાલિકા પટાંગણમાં આવેલી સરદારની અર્ધપ્રતિમાને પુષ્પહાર કરવા રાજકીય અગ્રણીઓ પહોંચ્યા હતા. નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈ ઉપરાંત અનેક ભાજપ અગ્રણીઓએ હાજર રહી પુષ્પહાર કર્યા હતા.

બીજી તરફ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પટેલ, મહિલા પ્રમુખ પ્રભાબેન વલસાડીયા, દિપક બારોટ સહિત કોંગ્રેસી અગ્રણીઓએ પણ નવસારી પાલિકા પટાંગણમાં મૂકાયેલી સરદારની પ્રતિમાને પુષ્પહાર કર્યા હતા. આ દરમિયાન સરદાર જયંતીએ નવસારી પાલિકા પટાંગણમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાની નીચે લખાણ લખવાને લઈને વિવાદ થયાની જાણકારી મળી છે.

નવસારી પાલિકા પટાંગણમાં પાલિકાએ થોડા વર્ષ અગાઉ જ સરદાર પટેલની અર્ધપ્રતિમા મુકવામાં આવી હતી. જોકે આ પ્રતિમા નીચે કોઈ તક્તી મુકાઈ ન હતી કે સરદારને લઈને માહિતી આપતી વિગત પણ દર્શાવાઈ ન હતી. જેને લઈને આજે મંગળવારે સરદાર જયંતીએ એડવોકેટ કનુભાઈ સુખડીયાએ સવારના સમયે પાલિકા પટાંગણમાં જઈ સરદારની પ્રતિમા નીચે સરદારની જન્મતિથિ તથા મરણતિથિનું લખાણ તો લખ્યું હતું, સાથોસાથ ‘જય સરદાર’ જય પાટીદાર’ પણ લખી દીધુ હતું. કનુભાઈએ પ્રતિમા નીચે લખેલા લખાણ ધ્યાને આવતા નવસારી નગરપાલિકા તંત્રએ ઉક્ત લખાણ દૂર કર્યું હતું. આ બાબતે કનુભાઈ સુખડીયાએ જણાવ્યું કે આજે સરદાર જયંતી હોય પ્રથમ તો જળાભિષેક અને ત્યારબાદ દૂધથી પ્રતિમાને નવડાવવામાં આવી હતી. પ્રતિમા નીચે કોઈ જ લખાણ પાલિકાએ લખ્યું ન હોય ભુલ કરી હતી.

જેથી પ્રતિમા નીચે સરદારની જન્મતિથિ, મરણતિથિ લખી હતી. તેઓ પાટીદાર હોઈ ‘જય પાટીદાર’ લખ્યું હતું. નવસારી નગરપાલિકાએ લખાણ દૂર કર્યું એ યોગ્ય નથી. બીજી તરફ નવસારી પાલિકાના સિટી ઈજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે સરદારની પ્રતિમા નીચે લખાણ કરવાની વાત કનુભાઈએ પાલિકાના ધ્યાન ઉપર લાવવી હતી. જાતે લખાણ કરવું જરૂરી ન હતું.

જોકે પાલિકાનું પ્રતિમા નીચે તક્તી મુકી લખાણ કરવાનું આયોજન છે ! જોકે હવે પાલિકા સરદારની પ્રતિમા પાસે સરદાર વિશેની વિગતો મૂકશે.