10 November 2017

નવસારીમાં બાળકોની અનોખી મતદાન જાગૃતિ, વર્લ્ડ રેકોર્ડનો દાવો


લોકોમાં મતદાન જાગૃતિ આણવા માટે નવસારી શહેરમાં આજે ગુરૂવારે 2500થી વધુ સાઈકલવીરોની રેલી વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદાર બની છે. અગાઉ સ્વીટ્ઝરલેન્ડમાં 1920 સાઈકલવીરોની રેલી નીકળી હતી. 9મી ડિસેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી-2017 દરમિયાન વધુ મતદાન થાય તે માટે નવસારી ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિશેષ મતદાર જાગૃતિ અભિયાન ચાલી રહ્યુ છે. જેના ભાગરૂપે 175-નવસારી વિધાનસભા વિસ્તારમાં મતદાર જાગૃતિ સાઈકલ રેલી યોજાઇ હતી.


સવારે 9 વાગે લુન્સીકૂઇ ખાતે કલેકટરે સાઈકલ રેલીને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મતદાર જાગૃતિ સાઈકલ રેલીમાં 22 શાળાના 2500થી વધુ વિદ્યાર્થીઓ, 100 જેટલા શિક્ષકો અને શહેરના જાગૃત મતદારો વિશાળ રેલીમાં જોડાયા હતા. અગાઉ સ્વીટઝરલેન્ડમાં 1920 સાઈકલવીરોની રેલી યોજાઇ હતી, જેનો રેકોર્ડ નવસારીએ તોડયો છે. ઉરીમાં 2.20 કિ.મી. રેલી યોજાઇ હતી. આ રેલી 5.5 કિ.મી.ની હતી, જે રેકોર્ડ પણ નવસારીના નામે થશે. નવસારીના તંત્રએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી નોંધાવશે.

નવસારી બેઠકના રિટર્નિંગ અધિકારી કુ. નેહાએ જણાવ્યું કે સ્વીટઝરલેન્ડનો જે સાઈકલ રેલીનો રેકોર્ડ છે તે રેલી સોશ્યલ કોઝ માટે હોવાનું જાણમાં નથી. જ્યારે નવસારીની સાઈકલ રેલીએ મતદારોમાં જાગૃતિ આણવાના હેતુ માટેની હતી. રેલીનું આયોજન માટે વધુ સમય ન મળતા ગિનિસ વર્લ્ડ રેકોર્ડના સંચાલકોને વર્લ્ડ રેકોર્ડ માટે રૂબરૂ બોલાવી શકવાનું શક્ય ન હતું. જેથી આ રેલીનું રેકોર્ડિગ (જે પણ માન્ય ગણાય છે) વર્લ્ડ રેકોર્ડ માટે મોકલવામાં આવશે.

સાઈકલ રેલી ક્યાંથી ક્યા ફરી

મતદાર જાગૃતિ રેલી લુન્સીકકૂઇથી શરૂ થઇ બસડેપો, ચારપુલ, નગરપાલિકા, ચાંદનીચોક, અશોકા ટાવર, દાબુ હોસ્પિટલ, શાંતાદેવી રોડ, સ્ટેટન, સાંઢકુવા, રિલાયન્સ મોલ, આશાપુરી મંદિર, દુધિયા તળાવ, વલ્લભ એસ્ટેરટ, ટેકનિકલ શાળા થઇ શહેરના માર્ગો પર સ્લોગન, નારા સાથે ફરી પરત લુન્સીકૂઇ આવી હતી. લોકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. નવસારી શહેરમાં સવારના સમયે એટલી મોટી સંખ્યામાં સાઈકલ રેલી નીકળી હતી કે માર્ગો સાઈકલથી ઉભરાયા હતા. શહેર સાઈકલમય બનેલું જોવા મળ્યું હતું અને આમજનતામાં સાઈકલ રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી.