14 November 2017

વિજલપોર ઓવરબ્રિજ 6 વર્ષથી કાગળ ઉપર


વિજલપોર રેલવે ઓવરબ્રિજની કામગીરી વર્ષ કાગળ ઉપર ચાલ્યા બાદ હવે કામગીરી પાલિકા પાસેથી નેશનલ હાઈવેને સોંપાય છે.

વિજલાપોર શહેરમાંથી પણ રેલવે પસાર થાય છે. હાલની બે ટ્રેક સિવાય ડીએફસીસી યોજના અંતર્ગત વધુ બે રેલવે ટ્રેકનું નિર્માણ થનાર છે. કુલ ચાર ટ્રેકો થઈ જવાથી હાલની વિજલપોર રેલવે ફાટક કાર્યરત રહી શકે એમ નથી. જેથી અહીંની રેલવે ફાટક ઉપર પણ રેલવે ફાટક બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

વિજલપોર રેલવે ઓવરબ્રિજની પ્લાનિંગ સહિત કામગીરીની શરૂઆત 2010-11માં થઈ હતી. પ્લાનિંગ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરાઈ હતી. સરકારે નાણાંની ફાળવણી પણ કરી હતી. કામગીરી પાલિકાને સોંપાયા બાદ પાલિકાએ રેલવે તંત્ર સાથે ડિઝાઈનની કામગીરી હાથ ધરી હતી. ઓવરબ્રિજની જે ડિઝાઈન અને પ્લાનિંગ થયું તે અંતર્ગત વિજલપોરમાં પૂર્વ-પશ્ચિમ બંને બાજુ મળી 100 મિલકતો ઓવરબ્રિજ આડે આવ્યાનું જણાયું હતું. પાલિકાએ મિલકતધારકોને નોટિસ આપી હતી. જોકે ત્યારબાદ બ્રિજ માટે જમીન મેળવવાનું કામ થઈ શક્યું હતું. થોડા સમય અગાઉ સરકારે ઓવરબ્રિજની કામગીરી પાલિકા પાસેથી લઈ નેશનલ હાઈવેને સોંપી છે. નેશનલ હાઈવેએ ઓવરબ્રિજની કામગીરી હાથ ઉપર લીધી છે પરંતુ ઓવરબ્રિજ માટે ખુલ્લી જમીન મેળવવા જરૂરી સંપાદન યા દબાણ હટાવવાનું કામ પાલિકાને સોંપ્યું છે.

100થી વધુ મિલકતોનો પ્રશ્ન 
વિજલપોરમાં રેલવે ઓવરબ્રિજ બનાવવા સૌથી મોટો પ્રશ્ન બ્રિજ આડે આવતી મિલકતો છે. ફાટકની પશ્ચિમે તો વધુ અડચણ નથી પરંતુ પૂર્વ બાજુએ સમસ્યા વધુ છે. 100થી વધુ મિલકતો નડતરરૂપ છે, જેઓને ભૂતકાળમાં પાલિકાએ નોટીસો પણ આપી હતી. જે મિલકતોને નોટીસ અપાઈ હતી તે મિલકતોમાં દબાણ કરાયું છે યા મિલકતધારકોની માલિકીની છે તે હજુ નક્કી થઈ શક્યું નથી. દબાણ હશે તો તે તોડવી પડશે અને માલિકી હશે તો સંપાદનની કાર્યવાહી કરવી પડશે. મળતી માહિતી મુજબ વિજલપોરમાં સિટી સરવે થયું હોય માલિકીહક્ક નક્કી કરવામાં મુશ્કેલી પડી રહી છે. ડીએલઆર પાસે માપણી કરાવાય તે પણ જરૂરી બન્યું છે જે માપણી અંગે પાલિકાએ ભૂતકાળમાં સરકારમાં રજૂઆત પણ કરી છે.