6 November 2017

નવસારી કબીલપોરની મહિલા તબીબે આપઘાત કરતા ચકચાર


નવસારી નજીકના કબીલપોરમાં રહેતી મહિલા તબીબે ગતરાત્રે પોતાનાં ઘરમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી.

નવસારીને અડીને આવેલ કબીલપોરની ઇશ્વરદર્શન સોસાયટીમાં રહેતી મહિલા તબીબ ડીપલ પટેલે ગતરાત્રે પોતાનાં ઘરમાં પંખા વડે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. રાત્રીનાં 2થી 2.15 કલાક દરમિયાન બનેલ ઘટનામાં ગળે ફાંસો ખાનાર ડીપલને સારવાર માટે નવસારીની પારસી હોસ્પિટલમાં લઇ જવામાં આવી ત્યાં રાત્રે 4.20 કલાકે તેણીનું મૃત્યું થયું હતુ.

અહીં ઉલ્લેખનીય છે કે મરનાર ડીપલ પટેલ એનેસ્થેસીયાની સેવા બજાવતી હતી. તેણીના પતિ મયંક પટેલ નવસારીની પારસી હોસ્પિટલમાં કાન-નાક ગળાનાં નિષ્ણાંત તરીકેની ફરજ બજાવે છે. ડીપલ અને મયંકના લગ્નજીવન થકી એક 4 વર્ષથી છોકરી પણ છે. મહિલા તબીબે આત્મહત્યા કર્યાની ખબર પ્રસરતાં નવસારીના તબીબ આલમમાં તથા પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

મળતી માહિતી મુજબ ડીપલ અને તેનો પતિ મયંક જ્યાં રાત્રે સૂતા હતા તે બેડરૂમની સામેનાં રૂમમાં જઇ ડીપલે ગળે ફાંસો ખાધો હતો. ડીપલે ચોક્કસ કયા કારણે અંતિમ પગલું ભર્યુ તે જાણી શકાયું નથી પરંતુ પારિવારિક ઝઘડાનું કારણ ચર્ચાઇ રહ્યું છે.