19 December 2017

વિધાનસભામાં ફરી 3 બેઠક ભાજપના ફાળે અને 1 કોંગ્રેસે જાળવી રાખી


વિધાનસભામાં જાહેર થયેલા પરિણામોમાં નવસારી જિલ્લાની કુલ 4 બેઠકોમાંથી 3 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોએ ભારે લીડથી જ્વલંત વિજય મેળવ્યો હતો. એકમાત્ર વાંસદા બેઠક મેળવવામાં કોંગ્રેસ સફળ થયું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું 9મી ડિસેમ્બરે થયેલા મતદાનની મતગણતરી આજે સોમવારે થઈ હતી. નવસારી જિલ્લાની 4 બેઠકો નવસારી, જલાલપોર, ગણદેવી અને વાંસદા બેઠકની મતગણતરી ભુતસાડ ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં આજે સોમવારે સવારથી શરૂ થઈ હતી. મતગણતરી દરમિયાન પહેલા જ રાઉન્ડથી ભાજપે જિલ્લાની 3 બેઠકો નવસારી, જલાલપોર અને ગણદેવીમાં પોતાના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર સામે સરસાઈ મેળવવાનુ શરૂ કરી દીધુ હતું. આ શરૂઆતથી શરૂ થયેલી સરસાઈ અંત સુધી જળવાય રહી હતી. બીજી તરફ વાંસદાની બેઠક ઉપર કોંગ્રેસે સરસાઈ મેળવી હતી.

અંતિમ પરિણામ જોતા નવસારી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પિયુષ દેસાઈને મળેલા મતો 100060 સામે કોંગ્રેસના ઉમેદવાર ભાવનાબેન પટેલને 53965 મત મળતા પિયુષ દેસાઈનો 46095 મતોની સરસાઈથી વિજય થયો હતો. જલાલપોર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રહી ચૂકેલા આર.સી. પટેલને 86411 મત મળ્યા હતા. જેની સામે કોંગ્રેસના પરિમલ પટેલને 60747 મત મળતા આર.સી.નો 25664 મતોની સરસાઈથી વિજય થયો હતો. ગણદેવી બેઠક ઉપર પણ ભાજપે વિજય મેળવ્યો હતો.





આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ પટેલને મળેલા 1,24,010 મતોની સામે કોંગ્રેસના સુરેશ મગનભાઈ હળપતિને 66,749 મતો મળતા ભાજપના ઉમેદવારો 57261 મતોની તોતિંગ સરસાઈથી વિજય થયો હતો. આ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર અને માજી મંત્રી કાનજીભાઈ પટેલના પુત્ર સુનિલ પટેલને 6077 મત મળ્યા હતા. જિલ્લાની ચોથી વાંસદા બેઠક ઉપર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. આ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને મળેલા 1,10,756 મતો સામે ભાજપના ગણપત માહલાને 92363 મતો મળતા અનંત પટેલનો 18393 મતોની સરસાઈથી વિજય થયો હતો.

લીડમાં મોટા વધારા સાથે 2012નું પુનરાવર્તન
વર્ષ 2012માં પણ ભાજપે 3 અને કોંગ્રેસે 1 બેઠક મેળવી હતી. આ વખતે પણ આજ સ્થિતિ જળવાય રહી હતી. જોકે વિજેતા ઉમેદવારોની સરસાઈમાં ઘણો તફાવત જોવા મળ્યો છે. નવસારી બેઠકની સરસાઈ 2012માં જે 15501 હતી, તે ત્રણ ગણી વધી 46095 ઉપર પહોંચી ગઈ હતી. જલાલપોરની સરસાઈ જે ગત વખતે 17867 મતની હતી, તે આ વખતે 25674 થઈ છે. ગણદેવી બેઠકની સરસાઈ 2012માં જે 26177 મતની હતી તે વધી આજે 57261મત ઉપર પહોંચી ગઈ હતી. બીજી તરફ વાંસદા બેઠકની કોંગ્રેસની સરસાઈ ઘટી છે. ગત વખતે જે 25616 હતી તે આ વખતે 18393 થઈ ગઈ હતી. વિજેતા ઉમેદવારો નવસારી અને જલાલપોર બેઠકમાં એક જ રહ્યા છે. જ્યારે ગણદેવી અને વાંસદા બેઠકના વિજેતા ઉમેદવાર બદલાયા છે.