14 December 2017

આંગડીયા પેઢીના કર્મચારીનાં રૂ. 4 કરોડની લૂંટમાં 4 પકડાયા


નવસારીમાં નેશનલ હાઈવે નં. 48 ઉપર અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક ઉપર લકઝરી બસમાંથી આંગડીયા પેઢીના કર્મચારી પાસેના સોના-ચાંદીના રૂ. 4 કરોડના દાગીનાની લૂંટમાં એલસીબીએ ગ્રામ્ય પોલીસ અને કામરેજ પોલીસને સાથે રાખી ચાર લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા. લૂંટની ઘટનામાં અગાઉ રૂ. 40થી 45 લાખની મત્તાની લૂંટનો અંદાજ લગાવાયો હતો પરંતુ પોલીસે તપાસ કરતા 4 કરોડથી વધુની મત્તાની લૂંટ થઈ હોવાનું ખુલ્યું હતું.

બે આરોપીના 16 તારીખ સુધીના રિમાન્ડ મેળવાયા 

ને.હા.નં. 48 ઉપર ગણેશ સિસોદ્રા ઓવરબ્રિજ ઉતરતા આરટીઓ કચેરી સામે પાઉલો ટ્રાવેલ્સની લકઝરી બસ (નં. જીજે-05 બીએક્સ-7707)ને ઉભી રખાવી બસમાં બેઠેલા આંગડીયા પેઢીના કર્મચારી લાલદેવ પ્રસાદ પાસેથી અલગ અલગ આંગડીયાના પાર્સલોમાં રાખેલા 45 લાખના દાગીના લૂંટી લૂંટારૂઓ ભાગી છૂટ્યા હતા. 8મી ડિસેમ્બરે રાત્રે આ ઘટના ઘટી હતી. લાલદેવ પ્રસાદે ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એલસીબીની ટીમ પણ તપાસમાં કામે લાગી હતી.

દરમિયાન આંગડીયા પેઢીના સંચાલકોને પૂછતાછ કરતા રૂ. 40થી 45 લાખ નહીં પરંતુ કુલ રૂ. ચાર કરોડ આઠ લાખ પંદર હજાર બસો છાસઠના સોના-ચાંદીના દાગીનાની લૂંટ થઈ હતી, જેના પગલે પોલીસે તપાસને સઘન બનાવી આરોપીઓને ઝબ્બે કરવા એલસીબી પીઆઈ ડી.એન. પટેલ અને ટીમે ગ્રામ્ય પોલીસ અને કામરેજ પોલીસને સાથે રાખી ચાર લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા. આ લૂંટકેસમાં પોલીસે બસના ડ્રાઈવર દાના ભરવાડ (કામરેજ, સુરત) સહિત લૂંટ ચલાવનારા ભરત ભોકળવા (ભરવાડ) (ભરવાડવાસ, કામરેજ), તેજા પરમાર (ગોપાલનગર ખાડો, કામરેજ) તથા સમીર ઉર્ફે સૈયદ (લિંબાયત, સુરત)ને ઝડપી પાડ્યા છે.


હત્યા સહિત ગુનામાં પણ આરોપીની સંડોવણી
નવસારી એલસીબીએ ઝડપી પાડેલા ધાડ-લૂંટના કેસના ચાર લૂંટારૂઓમાં ભરત સુરતમાં મારામારી, તેજસ બે જુદા જુદા હત્યા કેસમાં સંડોવાયેલો છે. આ ઉપરાંત રિઝવાન અને તૌસીફ મારામારીના કેસમાં ઉપરાંત રિઝવાન હાઈવેની લૂંટના ગુનામાં સંડોવાયેલો છે.

સિસોદ્રા પાસે કોઈ મુસાફર ઉભા રહેતા નથી
નવસારીમાં મુખ્યત્વે ગ્રીડ હાઈવે ઉપર મુસાફર આવી ટ્રાવેલ્સની બસ માટે ઉભા હોય છે. જ્યારે લૂંટારૂઓ મુસાફર તરીકેની ઓળખ આપી સિસોદ્રા આરટીઓ પાસે ઉભા હતા. ચાલકની મીલીભગતને કારણે તે શક્ય બન્યું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ અંદાજ આવી ગયો હતો અને ચાલકની પૂછતાછ કરતા હકીકત બહાર આવી હતી.- ડી.એન. પટેલ, પીઆઈ, નવસારી એલસીબી