27 December 2017

નવસારીમાં પાણી ઓછું મળતાં લોકોમાં આક્રોશ


નવસારીના દશેરા ટેકરી વિસ્તારના કેટલાક ભાગોમાં કલાકો સુધી પાણી લોકોને મળે છે તો કેટલાકને માત્ર કલાક પૂરતું જ પાણી મળતા હાલાકિ વેઠવી પડી રહી છે. પૂરતા ફોર્સથી પાણી નહીં મળવા ઉપરાંત અનુકૂળ સમયે અને પૂરતું પાણી નહીં મળવાને કારણે લોકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં પાલિકા સામે આક્રોશ વ્યાપી ગયો છે.

નવસારી નગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી શહેરમાં પાણીકાપ મુકી દેવામાં આવ્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા રોટેશન ફેરફાર કરી પાણીકાપ કરતા પાલિકાએ પણ પીવાના પાણીમાં કાપ મુકવાની ફરજ પડી છે. અગાઉ પાલિકા દ્વારા સવારે દોઢ કલાક અને સાંજના સમયે એક કલાક પાણી આપવામાં આવતું હતું, તે હવે બદલીને સવારે એક જ કલાક પાણી વિતરણ કરાઈ રહ્યું છે.

જોકે આ સમસ્યાથી અલગ પાલિકાના વોર્ડ નં. 10માં આવતા દશેરા ટેકરીના કેટલાક વિસ્તારમાં કલાકના પાણીના રોટેશનની અસર જોવા મળતી નથી. તેના કારણે કેટલાક લોકોને કલાકો પાણી મળે છે. તો કેટલાકને માંડ કલાક પૂરતું પાણી મળે છે. દશેરા ટેકરી વિસ્તારની વાત કરીએ તો નીચાણવાળા ખાડીની લાઈન, સરસ્વતિમાતા મંદિરથી ગણેશચોક સુધી અંદાજિત બે કલાકથી વધુ સમય પાણી મળે છે તો મિશ્રશાળા નં. 10ની સામે 25ગાળા અને સરસ્વતિ મંદિર સામે ગોડાઉન લાઈનમાં એક કલાક માંડ પાણી મળી રહ્યું છે.

પાણી પૂરતા ફોર્સમાં પણ આવતું નથી. તેના કારણે આ વિસ્તારના 45થી વધુ ઘરના લોકોએ પાણી બાબતે મુશ્કેલી વેઠવી પડી રહી છે. એ ઓછુ હતું ત્યાં પાલિકાએ એક જ ટાઈમ પાણી સવારે 10થી 11.30 સુધી આપવાનું નક્કી કર્યું છે. એના કારણે હાલત વધુ કફોડી બની છે. આ વિસ્તારના લોકો મોટાભાગે શ્રમિક વર્ગ છે ત્યારે તેમણે વહેલુ ઘરેથી નીકળી જવુ પડે છે. આવા સંજોગોમાં તેઓનું પાણી ભરવાનું રહી જાય છે.

જેને લઈ પરિવારના સભ્યો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આ બાબતે પાલિકા સત્તાધિશો વહેલી સવારે પાણી વિતરણ કરે તો આ વિસ્તારના લોકો પાણી ભરીને કામધંધે પણ જઈ શકે. જોકે આ બાબતે પાલિકા સત્તાધિશો નિર્ણય લે અને સમય ફેરફાર કરે તે અનિવાર્ય બન્યું છે.

લોકોનો રોજ 1 કરોડ લિ. પાણી રોજનો વપરાશ
નવસારી શહેરમાં વસતા લોકોને પોતે રોજનું કેટલું પાણી વાપરી નાંખતા હોય તેનો ખ્યાલ સુદ્ધાં નહીં હોય. જોકે નવસારીમાં 1 કરોડ લિટર પાણીનો વપરાશ થતું હોવાનું અનુમાન છે.

તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરાશે
બોરીંગનું પાણી ભેગુ કરીને તે આપવામાં આવે છે. પૂર્વ ઝોનમાં આવતા દશેરા ટેકરી વિસ્તારની કેટલીક પાણીની લાઈન મુખ્ય લાઈન સાથે જોડાયેલી હોવાથી તે પાણીનો ભરાવો થતા જ નળ વાટે લોકો સુધી વહેલું પહોંચી જાય છે. તેના કારણે કેટલાક વિસ્તારમાં લાંબો સમય સુધી પાણી પાઈપમાં વહેતું રહેવાની શક્યતા છે, છતાં તે બાબતે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

પુરતું પાણી મળે તો કામ અર્થે જઈ શકાય
આમેય પાણી પૂરતા ફોર્સથી કે પૂરતુ મળતું ન હોવાથી હેરાનગતિ હતી જ પરંતુ તેમાં હવે ઉમેરો થયો છે. સાંજના સમયે પણ બંધ કરાયું છે એટલે સવારે જ પાણીનો સંગ્રહ કરવો પડે છે. પાણી પૂરતા પ્રમાણમાં અને વહેલી સવારે મળે તેવી પાલિકા કાર્યવાહી કરે તે જ સમયની માગ છે. - મધુબેન એમ. રાઠોડ, દશેરા ટેકરી

પાલિકા પાણી વહેલી સવારે છોડાય તે જરૂરી
જો વહેલી સવારે પાલિકા દ્વારા પાણી આપવામાં આવે તો શ્રમિક પરિવારના લોકોને તેનો ફાયદો થાય તેમ છે. મોડે મોડે પાણી આવતું હોવાથી અને પૂરતા ફોર્સમાં પાણી નહીં મળતા લોકોએ ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. પાલિકા સત્તાધિશોએ તે અંગે વિચારીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. - સુધાબેન વી. રાઠોડ, દશેરા ટેકરી