2 December 2017

નવસારીનાં સર્કલ જીવલેણ બનવા માંડ્યાં


નવસારી શહેરમાં ટ્રાફિક સર્કલ નજીક ટ્રાફિક નિયમનના અભાવે સોમવારે એક બાળાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવી દીધી હતી. ટ્રાફિક સર્કલો નધણિયાત બન્યા હોવાથી આવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જો તંત્ર દ્વારા વહેલી તકે સર્કલ ઉપર ટ્રાફિક નિયંત્રણ માટે કાર્યવાહી નહીં થાય તો પુન: મોટી ઘટના થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

સર્કલો ભયજનક કેમ
  • મોટાભાગના સર્કલોએ ટ્રાફિક પોલીસ નથી.
  • સર્કલોએ સિગ્નલ લાઈટો નથી.
  • વાહનોને દિશાનિર્દેશ આપતા પટ્ટા મરાયા નથી.
  • સર્કલથી થોડે દૂર સર્કલની જાણકારી આપતા બોર્ડ નથી.

નવસારીના ટ્રાફિક સર્કલ
આશાનગર સર્કલ, ચાંદનીચોક દિનદયાળ સર્કલ, ફુવારા સર્કલ, ટાવર સર્કલ, પાલિકા નજીક જૈન સર્કલ, સબજેલ ડેપો સર્કલ, લુન્સીકૂઈ સર્કલ, લુન્સીકૂઈ આંબેડકર સર્કલ, કનૈયાલાલ મુન્શી સર્કલ, સર્કિટ હાઉસ મોરારજી સર્કલ, જૂનાથાણાના ત્રણ સર્કલ, સાંઢકૂવા સર્કલ, સ્ટેશન (પશ્ચિમ) સર્કલ, બ્રહ્માકુમારી સર્કલ, વિઠ્ઠલવાડી સર્કલ વગેરે.

સર્કલની કાળજી લેવાતી નથી
નવસારીમાં સર્કલ તો છે પરંતુ તેની યોગ્ય કાળજી લેવાતી નથી. સર્કલ માટે દાન આપનાર દાનવીરોના નામ લખી બાદમાં માવજત કરાતી નથી. લાલ લાઈટ-યલો લાઈટની સિગ્નલ વ્યવસ્થા પણ નથી, જેથી ટ્રાફિકનું નિયંત્રણ થતું નથી. - કનુભાઈ સુખડીયા, એડવોકેટ, નવસારી.

ટ્રાફિક સર્કલનો સરવે કરાય છે
નવસારીમાં ટ્રાફિક સર્કલ માટેનો સરવે કરાય છે. ટ્રાફિક બ્રિગેડના માણસો મુકવાનું પણ આયોજન છે. અન્ય કેટલીક બાબતો અંગે પાલિકા સાથે પણ ચર્ચા કરવામાં આવશે. - જી.આર.રબારી, પીઆઈ, નવસારી ટાઉન