12 December 2017

6 સિટીબસના નામે 3 વર્ષથી સરકારની લોલીપોપ


રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2015મા વિવિધ શહેરોમાં સિટી બસ સેવા શરૂ કરવા માટેનું આયોજન કરી તે માટે સરકાર તરફથી જ બસ ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી. નવસારી નગરપાલિકાને પણ આ બસસેવા શરૂ કરવા પ્રાથમિક તબક્કે 6 બસ ફાળવવામાં આવનાર હતી પરંતુ તે પ્રોજેકટ હાલની સરકારે અભરાઈએ ચઢાવી દેતા નવસારીવાસીઓ સસ્તી બસસેવાના લાભથી વંચિત રહ્યા છે.

નવસારી નગરપાલિકા સહિત રાજ્યભરની નગરપાલિકાઓમાં તત્કાલિન રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સરકાર તરફથી બસ ફાળવવાની મોટાપાયે જાહેરાત કરી શહેરીજનોને સસ્તી બસસેવાનો લાભ આપવાનો પ્રોજેકટ હાથ ધર્યો હતો. નવસારી નગરપાલિકાને પણ આ પ્રોજેકટને આધારે 6 સિટીબસ ફાળવવામાં આવનાર હતી. તેના કારણે શહેરીજનોને તેનો લાભ મળવાનો હતો. જાન્યુઆરી-2015માં આ બાબતે નિર્ણય પણ લેવાઈ ચૂક્યો હતો પરંતુ તે પછી રાજકીય આસપાસમાં આ પ્રોજેકટ અટવાઈ પડ્યો હતો.

નવસારી સહિત 10 જેટલી નગરપાલિકાઓને આ સિટી બસસેવાનો લાભ મળવાનો હતો. જાન્યુઆરી -2016માં તમામ નગરપાલિકાઓને મિની બસ રાજ્ય સરકાર ફાળવે તે પહેલા જ આ પ્રોજેકટનો વીંટો વાળી દેવાયો હતો. રાજકીય ઉથલપાથલને પગલે બાદમાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીએ પદ સંભાળ્યું હતું પરંતુ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હાથ ધરેલા સિટી બસ પ્રોજેકટ અંગે કોઈ કાર્યવાહી થઈ ન હતી.

નવસારી પાલિકા દ્વારા આ પ્રોજેકટ માટે તમામ તૈયારીઓ તત્કાલિન ચીફ ઓફિસર સંજયભાઈ સોનીએ કરી હતી અને તે પ્રોજેકટની ફાઈલ તૈયાર કરી રાજ્ય સરકારને મોકલી દીધી હતી પરંતુ તેનો લાભ હજી સુધી શહેરીજનોને મળ્યો નથી. હવે આગામી જાન્યુઆરીમાં પુન: આ સિટી બસસેવાનો પ્રારંભ થાય તેવી શક્યતા ઉભી થતા પુન: આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે

સાંકડા માર્ગોનું વિઘ્ન ક્યારે દૂર થશે?
પુન: એક વખત આગામી જાન્યુઆરી 2018માં સરકાર દ્વારા નવસારી નગરપાલિકાને સિટી બસસેવા પ્રાપ્ત થાય તેવા પ્રયાસ પાલિકા સત્તાધિશો દ્વારા કરાઈ રહ્યા છે પરંતુ શહેરના રાજમાર્ગોની પહોળાઈ ઓછી હોવાથી અને દિવસે દિવસે ટ્રાફિકનું ભારણ વધતા આ સિટી બસસેવા અંગે સવાલો ઉભા થાય તેવી શક્યતા છે.

લોકો 15 વર્ષથી ખાનગી વાહનોના સહારે
નવસારીમાં વર્ષ 2002-03મા સિટી બસસેવા બંધ થઇ હતી. જેનું સંચાલન નવસારી ડેપો દ્વારા કરાતું હતું. એ પછી લોકોએ શહેરમાં પોતાના વાહનો કે રિક્ષા ઉપર મદાર રાખવાનો વારો આવ્યો હતો.

હવે આવતાં વર્ષની વધુ એક લોલીપોપ
નવા પ્રોજેકટમાં મિની સિટી બસસેવાનો પ્રોજેકટ લેવામાં આવ્યો છે. પાલિકાએ તૈયારી કરી છે. એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ સાથે આ બસસેવાને જોડીને કામ કરવાનું આયોજન કરાયું છે. સરકાર દ્વારા જાન્યુઆરી 2018માં તેને મંજૂરીની મહોર મારે તેવી શક્યતા છે. - રમેશભાઈ જોષી, ચીફ ઓફિસર, નવસારી પાલિકા