24 December 2017

4 વર્ષની બાળકી પર બળાત્કારનો પ્રયાસ, થેલામાં ફેંકી દેવાઈ


વિજલપોરમાં 4 વર્ષની માસૂમ બાળાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યા બાદ તેને રેલવે ટ્રેકથી 20 ફૂટ દૂર ઝાડીમાં છોડી દઈ યુવાન ફરાર થઈ જવાની ઘટનાએ સમગ્ર નવસારી પંથકમાં ચકચાર જગાવી દીધી છે. આ ઘટનામાં બાળકીને ગંભીર ઈજા થઈ હોવાથી તેને સૌ પ્રથમ નવસારી સિવિલ અને મોડી રાત્રે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.વિજલપોરમાં શ્રમિક પરિવારની 4 વર્ષની દીકરીને પાડોશમાં રહેતો આસીફહુસેન ગુરૂઅલીહુસેન પઠાણ નામનો યુવાન રમાડવાના બહાને ઘરની બહારથી લઈ ગયો હતો. શુક્રવારે સાંજે 6.00થી 6.30 કલાકની આસપાસ આ ઘટના બની હતી.

વિજલપોરમાં માસૂમના અપહરણ બાદ ક્રૂર ઘટના
4 વર્ષીય બાળકી રાશિ (નામ બદલ્યુ છે)ના પિતા સેન્ટીંગ કામ કરતા હોવાથી આખો દિવસ કામ કરીને ઘરે સાંજે 6.30 કલાકની આસપાસ ઘરે પહોંચ્યા હતા. તે દરમિયાન તેની પત્ની એન દીકરી ઘરમાં જણાયા ન હતા. એ વખતે પાડોશીઓએ તેમને દીકરીને આસીફ ઘરેથી ઉપાડી રમાડતો લઈ ગયો છે અને તેથી તેની શોધખોળ કરાઈ રહી છે. આથી અન્ય પાડોશીઓ સાથે રાશિના પિતાએ પણ દીકરીની શોધખોળ શરૂ કરી હતી, તેમ છતાં રાશિનો પત્તો લાગ્યો ન હતો. ઉપરાંત આસીફના ઘરે તપાસ કરતા તે પણ ગાયબ જણાયો હતો.

બાળકી હોસ્પિટલમાં, નરાધમ રાત્રે જ ઝડપાઈ ગયો

દરમિયાન રાત્રે 9.30 કલાકની આસપાસ પાડોશીએ તેમની દીકરીને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઈ હોવાની માહિતી આપતા તેઓ પાડોશીઓ સાથે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. દીકરીની હાલત જોઈ શ્રમિક પરિવારના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય તેવો આઘાત લાગ્યો હતો. દીકરીને પથારીવશ જોઈને તેની માતાએ તપાસ કરતા તે લોહીલુહાણ હાલતમાં જણાઈ આવી હતી. દીકરીની હાલત જોઈ માતાનું હૃદય કંપી ઉઠ્યું હતું. આ ઘટનાને પગલે રાશિના પિતાએ દીકરીનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર (દુષ્કર્મ) કરવાનો પ્રયાસ કરનારા આસીફ સામે વિજલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સીપીઆઈ એલ.કે. પઠાણે આ ઘટનાની ગંભીર નોંધ લઈ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

રડવાનો અવાજ આવતા યુવકે તપાસ કરી
બાળકીને ઉપાડી જઈ નરાધમે પોતાની હવસ સંતોષવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી તેણે 4 વર્ષીય માસુમને અમદાવાદથી મુંબઈ તરફ જતી રેલવે લાઈનથી આશરે 20 ફૂટ દૂર ઝાડીમાં પ્લાસ્ટીકમાં વિંટાળી ફેંકી દીધી હતી. દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા ત્યાંથી પસાર થતા એક યુવાને ઝાડીમાં તપાસ કરતા બાળકી મળી આવી હતી. તેને પ્લાસ્ટિકની થેલીમાંથી બહાર કાઢી સાફ કરી તેની હાલત જોઈ તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જેના પગલે તેનો જીવ બચ્યો હતો.

સુરત સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ

રાત્રે નવસારી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ થયા બાદ રાશિને વધુ સારવાર માટે મોડીરાત્રે નવસારીથી સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ તે સારવાર હેઠળ છે.

આરોપી ઘરે આવતા પાડોશીઓએ પોલીસને  જાણ કરી આસીફહુસેન પઠાણ ત્રણ દિવસ પહેલા જ રાશિના ઘરની સામેથી બીજી ગલીમાં રહેવા ગયો હતો. તેને આસપાસના લોકો ઓળખતા હતા. ઉપરાંત જ્યારે તે બાળકીને લઈને ગયો ત્યારે પાડોશીઓને તેની જાણ કરી હતી. પોલીસે તેની શોધખોળ કરી મધરાત્રે તેને ઝડપી પાડ્યો હતો.

સ્થાનિક રહેવાસીઓનું પોલીસ મથકે હલ્લાબોલ
માસૂમનું અપહરણ કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરનાર સામે સ્થાનિકોમાં આક્રોશ વ્યાપી ગયો હતો. લોકો રાત્રે જલાલપોર પોલીસ મથકે ધસી ગયા હતા અને નરાધમને ઝડપી પાડવા પોલીસ સામે દલીલો કરી હતી. જોકે પોલીસે આરોપીને ઝડપી પાડવાનું આશ્વાસન આપતા તેઓ પરત થયા હતા.

હાલમાં આરોપીના મેડિકલ ટેસ્ટ કરાવાયા
બળાત્કારનો પ્રયાસ કરનાર આરોપી આસીફના પોલીસે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવાયા હતા. એ પછી તેને જલાલપોર બહારના પોલીસ મથકમાં પૂછતાછ અર્થે રાખવામાં આવ્યો છે. જ્યાં તેની પૂછતાછ ચાલી રહી છે. - એલ.કે. પઠાણ, સીપીઆઈ, નવસારી