29 December 2017

નવસારીમાં કચરાની સાઈટ પર રહસ્યમય આગ


નવસારીના બંદર રોડ ઉપરની પાલિકાની કચરા ડમ્પિંગ સાઈટ ઉપર રાત્રે આગ ફેલાતા અફરાતફરી મચી ગઈ હતી. આગનો પ્રદૂષિત ધુમાડો નજીકના વિસ્તારોમાં ફેલાતા લોકોનો આક્રોશ વધી ગયો હતો. નવસારી શહેરનો તમામ કચરો શહેરના પશ્ચિમ વિભાગે પૂર્ણા નદી નજીકના બંદરરોડ ઉપર વરસોથી ઠાલવવામાં આવે છે. લગભગ બેથી ત્રણ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આ ડમ્પિંગ સાઈટ પથરાયેલી છે.

આ કચરાનું વર્ગીકરણ કરી નિકાલ કરવાનો કોન્ટ્રાકટ પોલીટેકને આપવામાં આવ્યો છે. જે કોન્ટ્રાકટર કેટલાક સમયથી કામ કરી રહ્યો છે. આમ તો કચરાની સાઈટમાં કચરો છૂટોછવાયો બળતો જ રહે છે પરંતુ બુધવારે સ્થિતિ અલગ જોવા મળી હતી.

બંદર રોડ પર અંદાજે 2 ચોરસ કિલોમિટરમાં પથરાયેલી ડમ્પિંગ સાઇટ પર આખા શહેરનો કચરો ઠલવાય છે
કચરાના પ્રોસેસ (કોન્ટ્રાકટરની જગ્યા)ની નજીકના સ્થળે મંગળવારે રાત્રેથી કચરામાં આગ ધીમી ગતિએ લાગી હતી. બુધવારે દિવસે પણ જારી રહ્યા બાદ બુધવારે મોડી સાંજ બાદ આગ વધુ ફેલાઈ હતી અને ધુમાડો નજીકના રહેણાંક વિસ્તારમાં ઝડપભેર ફેલાયો હતો. પ્રદૂષિત ધુમાડાને કારણે લોકોની અકળામણ વધતા પાલિકા તંત્રને જાણ કરાઈ હતી. પ્રથમ તો નવસારી પાલિકાના ફાયરબ્રિગેડના બંબા મોકલવામાં આવ્યા તે અપૂરતા પડતા વિજલપોર, ગણદેવી અને બીલીમોરાથી પણ બંબા બોલાવાયા હતા.

સળગી રહેલા કચરા પર પાણીનો છંટવામાં આ‌વતા ધૂમાડો વધી જતાં લોકોએ પાણીનો છંટકાવ અટકાવ્યો 
બંબાઓએ આગ ઉપર પાણી ફેંકતા સ્થિતિ વકરી હતી. ધુમાડાથી ગૂંગળામણ થતા રોષે ભરાયેલા લોકોએ બાદમાં ફાયરબ્રિગેડના બંબાઓને કચરાની સાઈટે જતા રોક્યા હતા. આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય પિયુષ દેસાઈ અને પાલિકાના અનેક કોર્પોરેટર ફાયરબ્રિગેડના બંબાખાને પહોંચી ગયા હતા. બંબાખાને તડાફડીનો માહોલ સર્જાયો હતો. રાત્રે 12 વાગ્યા સુધી અફરાતફરીનો માહોલ રહ્યા બાદ પ્રકરણ શાંત પડ્યું હતું. ગત બુધવારની રાત્રિની આગનો ધુમાડો ગુરૂવારે પણ આખોય દિવસ સમગ્ર કચરાની ડમ્પિંગ સાઈટે જોવા મળ્યો હતો. જોકે હજુ સુધી આગ કોણે લગાવી તે જાણી શકાયું ન હતું.

આગ લાગવાની ઘટના અંગે કચરાના કોન્ટ્રાકટર શું કહે છે
કચરાની સાઈટે આગ કોણે લગાવી તે બાબત ચર્ચાસ્પદ રહી હતી. એક આક્ષેપ કચરા પ્રોસેસના કોન્ટ્રાકટર ઉપર પણ લગાવાઈ રહ્યો હતો. જોકે કચરા કોન્ટ્રાકટ પોલીટેકના મેનેજર રવિ મકવાણાએ જણાવ્યું કે અમને તો કચરો સડેલો વધુ મળે તેમાં રસ હોય છે. આગ લગાડી કચરાના નિકાલમાં શું રસ હોય શકે ωકચરો સળગાવવાનો અમને કોઈ જ ફાયદો નથી. અમારી સામેના આક્ષેપ ખોટા છે. કદાચ કચરો વીણનારા યા અન્ય કોઈ આગ લગાડતા હોઈ શકે !

નજીકના રહીશોને કાયમની તકલીફ
બંદર રોડ ઉપર કચરાની ડમ્પિંગ સાઈટ ઉપર લાગતી આગના ધુમાડાની અસરથી વધુ તકલીફ બંદરરોડ ઉપર નજીક જ રહેતા લોકોને થાય છે. બંદર રોડના રહીશ મનુભાઈ પટેલ જણાવે છે કે ધુમાડાનો પ્રશ્ન કાયમ જ રહે છે અને તેને લઈને શ્વાસ લેવાની તકલીફ પણ પડે છે. હવે કચરાની સાઈટ ઉપર જગ્યા ઓછી રહી હોય પાલિકા તંત્ર જ આગ લગાવતી હોય એવું માનવું છે. અમે તો ધુમાડાથી થતી તકલીફની અનેક વખત રજૂઆત કરી છે, પગલાં લેવાતા નથી.

વારંવાર આગના લાગવાના ઘટનાનું નિરાકરણ કરાશે
નવસારી પાલિકાના સેનેટરી કમિટીના ચેરમેન રાજુ પટેલે જણાવ્યું કે કચરાની સાઈટે લાગેલી આગ રાત્રે 12 વાગ્યે હોલવાઈ ગઈ હતી. કચરાની સાઈટ 2 કિ.મી. વર્ગમાં ફેલાઈ હોય કોણ, ક્યારે આગનું છમકલુ કરે તે જાણી શકાતું નથી. જોકે કચરામાં આગના પ્રશ્નનો ઉકેલ આવે તે માટે અમે અધિકારી, પદાધિકારી વગેરે સાથે મળી ચર્ચા વિચારણા કરી હલ કાઢીશું!