30 December 2017

પાણીનાં વલખાં, નવસારીના 10 વિસ્તાર ટેન્કર સહારે


નવસારીમાં લોકોની પાણીની માગને પૂરી પાડવા પાલિકા મળસ્કેથી મોડી રાત્રિ સુધી પાણીના ટેન્કરો શહેરભરમાં દોડાવી રહી છે. નવસારી શહેરને નહેરનું પાણી 50 દિવસ સુધી મળનાર નથી. જેને લઈને નવસારી પાલિકાએ શહેરભરમાં ‘પાણીકાપ’ મુકવાની ફરજ પડી છે. આ કાપ અંતર્ગત પાલિકા દરરોજ બે ટાઈમની જગ્યાએ એક ટાઈમ અને તે પણ બોરવેલનું પાણી મિક્સ કરી છેલ્લા એક અઠવાડિયાથી શહેરીજનોને આપી રહી છે.

‘પાણીકાપ’ને લઈને શહેરના ઘણાં વિસ્તારોમાંથી પાણી અપૂરતું મળવાની બૂમરાણ થઈ રહી છે. આ લોકોએ હવે પાણીની જરૂરિયાત પૂરી પાડવા પાલિકાના ફાયરબ્રિગેડના ટેન્કરો ભણી નજર દોડાવી છે. ફાયરબ્રિગેડના ટેલિફોન આખો દિવસ પાણીનું ઘરેલું જરૂરિયાત માટે રણકતા રહે છે. ફાયરબ્રિગેડ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મળસ્કે સાડા પાંચ વાગ્યાથી પાણીના ટેન્કરોની દોડધામ શરૂ થાય છે, જે રાત્રે 12 વાગ્યા સુધી જારી રહે છે. છેલ્લા એક અઠવાડિયાથી આ સ્થિતિ છે.


આખા દિવસમાં પાણીના 4 ટેન્કર થકી 35 જેટલા ફેરાઓ વિવિધ જગ્યાએ મારવા પડે છે. શહેરના સાતથી આઠ વિસ્તારમાં અપૂરતા પાણીની વધુ ફરિયાદ હોય ત્યાં વિનામૂલ્યે પાલિકા પાણીના ટેન્કરો તો મોકલે જ છે. જ્યારે વ્યક્તિગત ડિમાન્ડવાળા પાસે ચાર્જ વસૂલી પાણીના ટેન્કર થકી પાણી અપાય છે. 8થી 10 ટેન્કરો સામૂહિક જરૂરિયાતવાળાને અપાય છે. જ્યારે બાકીના વ્યક્તિગત ડિમાન્ડના હોય છે.

સ્થિતિ એવી સર્જાય છે કે કેટલાક લોકોને તો બુકિંગ કરી બીજા દિવસે પાણી આપવું પડે છે. નવસારી પાલિકાના ફાયર સુપ્રેટેન્ડન્ટ કિશોર માંગેલાએ જણાવ્યું કે અમે લોકોની પાણીની જરૂરિયાત પૂરી પાડવા વધુને વધુ પ્રયત્ન કરીએ છીએ. હાલ પાણીકાપ હોવાથી ડિમાન્ડ વધુ છે.


ટેન્કરોની ડિમાન્ડવાળા વિસ્તારો
સામૂહિક ડિમાન્ડવાળા વિસ્તારો - દશેરા ટેકરી, દાંડીવાડ, માતા ફળિયા, જલાલપોર, રૂસ્તમવાડી, મિની મોઠવાડ, સંતોષી મહોલ્લો, ઘેલખડી વગેરે. વ્યક્તિગત ડિમાન્ડવાળા વિસ્તારો, જલાલપોર વૃંદાવન વિસ્તાર, કમલપાર્ક જલાલપોર, મકદમપુરા, જૈન સોસાયટી, ફુવારા, પાર ફળિયા, કુંભારવાડ, શાંતાદેવી રોડ, ગૌરીશંકર મહોલ્લો, રંગુનનગર, આશાનગર વગેરે.

આગોતરું આયોજન ન કરાયું
નવસારીમાં ઉભી થયેલી પાણીની સ્થિતિ અંગે પાલિકાના વિપક્ષી કોર્પોરેટર પિયુષ ઢીમ્મરે જણાવ્યું કે નવસારી શહેરને પાણી ન મળવા અંગેની પણ જાણ ઓકટોબરમાં થઈ ગઈ હતી પરંતુ તે સમયથી આગોતરા પગલાં લેવાયા ન હતા અને પાણીની જરૂરિયાત પૂરી પાડવા ગ્રામ્ય તળાવ સાથે કરાર કર્યા ન હતા. હવે પાલિકા ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળુ મારવા દોડી રહી છે.