5 December 2017

'ઓખી' વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા, NDRFની ટૂકડીઓ કરાઇ તૈનાત


દક્ષિણ ગુજરાતમાં ઓખી વાવાઝોડું આવવાની શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર તા. ૪ થી ૬ ડીસેમ્‍બર-૧૭ સુધી ભારે પવન ફુંકાવા તથા હળવાથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. નવસારી કલેક્ટર રવિ કુમાર અરોરાએ જિલ્લાના તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સાથે હેડક્વાટર્સ ન છોડવા સુચનાઓ આપી છે. સંબંધિત અધિકારીઓને રાહત અને બચાવકાર્યો માટે તૈયાર રહેવા જણાવ્‍યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સાથે કાંઠા વિસ્‍તારના લોકોને સાવચેત રહેવા પણ સુચનાઓ જારી કરવામાં આવી છે. નવસારી કાંઠા વિસ્‍તારના અસરગ્રસ્‍ત ગામોને કોઇ જરૂરિયાત જણાય તો જિલ્લા ડીઝાસ્‍ટર કંટ્રોલરૂમના ટોલ ફ્રી નં-1077 તથા કચેરીના ફોનનં-02637233002 અને 259401 પર સંપર્ક કરવા જણાવાયું છે.

કલેક્ટરે જિલ્લાના તમામ અધિકારીઓને રાહત-બચાવ કાર્ય માટે એલર્ટ રહેવા જણાવી, નુક્શાનની પરિસ્‍થિતિ ઉદ્‌ભવે તો તાકીદે પગલાંઓ લેવા અધિકારીઓને તાકીદ કરી છે. પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, તલાટી કમ મંત્રીઓને પરિસ્‍થિતિ પર નજર રાખવા હેડક્વાટર્સ પર રહેવા જણાવાયું છે. કોઇ નુકશાન થાય તો તાત્‍કાલિક સર્વે કરીને સહાય ચુકવવાની કાર્યવહી કરવાપણ કલેક્ટરે અનુરોધ કર્યો હતો.ઓખી વાવાઝોડું તા.પમી ડીસેમ્‍બરના રોજ રાત્રિએ દક્ષિણ ગુજરાતમાં પહોંચી શકે છે.

જીલ્લાના આ 16 ગામોને અસર થશે
કલેક્ટરે જિલ્લાના અધિકારીઓ સાથે ઓખી વાવાઝોડા સંદર્ભે તાકીદની બેઠક કરી હતી. ગામના સરંપંચોને પણ વાવાઝોડા સંદર્ભે તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકામાં દાંતી, ઉભરાટ, દીપલા, વાંસી, બોરસી, સામાપોર, દાંડી, ઓંજલ, કૃષ્‍ણપુર અને ગણદેવી તાલુકામાં મેંધર, માસા, ધોલાઇ, બીગરી, કલમઠા અને છાપર ૧૬ ગામોની પ૨ હજાર વસતિને અસર થવાની શકયતાઓ છે.

કલેક્ટરે તા.5મીના રોજ ભારે વરસાદની શકયતાઓને ઘ્‍યાનમાં રાખીને નાના વૃક્ષો, વીજ થાંભલાઓને નુકસાન થાય તો ત્રણ ટૂકડીઓને તૈયાર રાખી છે. વીજ પુરવઠો ન ખોરવાય જાય તે માટે તકેદારી રાખવા સુચનાઓ આપી હતી. કલેક્ટરે જણાવ્‍યું હતું કે, એનડીઆરએફની બે ટીમો આવી રહી છે. એક ટૂકડી મરોલી અને એક ટૂકડીને નવસારી ખાતે તૈનાત કરાશે. કોઇ મુશ્‍કેલી ઊભી થાય તો લોકોને સલામત સ્‍થળે ખસેડવા સ્‍થળોની તૈયારીઓ કરવામાં આવી છે. લોકોને કોઇ મુશ્‍કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

મત્‍સ્‍ય વિભાગના અધિકારી પટેલના જણાવ્‍યા અનુસાર નવસારી જિલ્લાના માછીમારોને એલર્ટ કરી, દરિયો ન ખેડવા સુચનાઓ આપી છે. હાલમાં કોઇપણ બોટ મચ્‍છીમારી માટે દરિયામાં ગઇ નથી. બોટના માલિકો અને એસોસિએશનને આ બાબતે જાણકારી આપવામા આવી છે.