8 December 2017

નવસારીના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને નોટિસ


નવસારી બેઠકના ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારો વિરૂદ્ધ ધારાધોરણ મુજબની મતદાર સ્લીપ વહેંચવા બાબતની ફરિયાદ ચૂંટણી વિભાગને થતા ચૂંટણી વિભાગે ભાજપના ઉમેદવાર પિયુષ દેસાઈ અને કોંગ્રેસના ઉમેદવાર ભાવનાબેન પટેલને કારણદર્શક નોટિસ આપી છે.

નવસારી વિધાનસભા બેઠકની ચૂંટણીમાં મુખ્ય બે રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર માટે અલગ અલગ તરકીબો અજમાવી છે. આમાની એક તરકીબ તો મતદારોને અપાતી મતદાર સ્લીપમાં પણ ઉમેદવારની જાહેરાત યા પ્રચાર કરાયો છે. જોકે તરકીબનો ઉપયોગ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થતા ચૂંટણી વિભાગે નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર પિયુષ દેસાઈ તથા કોંગ્રેસના ઉમેદવાર ભાવનાબેન પટેલને કારણદર્શક નોટિસ આપી છે.

મતદાર કાપલી સાથે ભાજપના ઉમેદવારે પ્રચાર કરી નિયમોનો ભંગ કર્યાની એક ફરિયાદ નવસારીના રહીશ મુકુંદ કંસારાએ કરી હતી. આજ રીતે મતદાર કાપલી સાથે કોંગ્રેસના ઉમેદવારે પણ પ્રચાર કરી નિયમભંગ કર્યાની ફરિયાદ નવસારીના ધર્મેશ કાંતિલાલ ઢીમ્મરે કરી છે. બંને ફરિયાદ સંદર્ભે નોડલ અધિકારી જે.ડી. ચૌધરીએ ભાજપના ઉમેદવાર પિયુષ દેસાઈને અને કોંગ્રેસના ઉમેદવાર ભાવનાબેન પટેલને નોટીસ આપી હતી. કારણદર્શક નોટીસમાં જણાવાયું કે, ‘આર.ઓ. હેન્ડબુક -2014ના ફકરા નંબર 10, 11.2 મુજબ રાજકીય પક્ષો-ઉમેદવારો બિનસત્તાવાર ઓળખ કાપલીઓમાં 1 મતદાર યાદીમાં મતદારનું નામ અને અનુક્રમ નંબર, 2 મતદારયાદીનો ભાગ નંબર, 3 મતદાર મથકનો અનુક્રમ નંબર અને નામ દર્શાવે તો તેની સામે કોઈ વાંધો નથી પરંતુ તેમાં ઉમેદવારનું નામ, પક્ષનું નામ અથવા પક્ષનું પ્રતિક હોવું જોઈએ નહીં પરંતુ ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર તરફથી તૈયાર કરવામાં આવેલી કાપલીમાં ઉમેદવાર તરીકે ઉમેદવારનું નામ, પક્ષનું નામ, પક્ષનું ચિન્હ, મહાનુભાવોના ફોટોગ્રાફ તથા સ્લોગન છપાવી કાપલીનું વિતરણ થઇ રહ્યું છે, જેથી આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોય, આચારસંહિતાના ભંગ બદલ ઉમેદવાર સામે એફઆઈઆર દાખલ કેમ કરાવવી તે અંગેનો ખુલાસો કરવાનો રહેશે. ‌વધુમાં કાપલીનું વિતરણ તાત્કાલિક અટકાવી દેવા જણાવ્યું છે.

ઉમેદવારના નામ, પક્ષના ચિન્હ સાથે મતદાર કાપલી વહેંચવાની કામગીરી માત્ર નવસારી બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ કરી છે એવું નથી, રાજ્યભરમાં ઘણાં ઉમેદવારોએ આવી રીતે મતદાર કાપલી સાથે પોતાનો પ્રચાર કર્યાનું જાણવા મળ્યું છે. અંગે ચૂંટણી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ભૂતકાળમાં 2014 અગાઉ રીતે ઉમેદવારના નામ, ચિન્હ સાથે મતદાર કાપલી વહેંચી શકાતી હતી પરંતુ 2014 બાદ ચૂંટણી વિભાગ મતદારોને ‘મતદાન સ્લીપ’ આપે છે ત્યારથી કાપલી સામે ઉમેદવારનો પ્રચાર કરવાની ગાઈડલાઈન બનાવાઈ છે. ઉમેદવાર પોતાનો પ્રચાર થાય તેવી મતદાન સ્લીપનું વિતરણ પરવાનગી લઈ કરી શકતા હોવાની જાણકારી પણ મળી છે. નવી ગાઈડલાઈન નથી અજાણતામાં ઉમેદવારોએ પોતાના નામ, ચિન્હ સાથે મતદાન સ્લીપ વહેંચી છે કે અન્ય કારણથી તે જાણી શકાયું નથી.

ચૂંટણી પંચનું માર્ગદર્શન મંગાયું 
જિલ્લાની ચાર બેઠકોના આચારસંહિતા અધિકારી પી.કે.હડુલાએ જણાવ્યું કે નવસારી બેઠકના બે ઉમેદવારોને આચારસંહિતા ભંગની નોટિસ આપી છે. આગળની કાર્યવાહી શું કરવી તે બાબતે જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચ પાસે માર્ગદર્શન માંગ્યું છે. નાયબ કલેકટર ચૂંટણી વિભાગ એન.આર.પ્રજાપતિએ પણ જણાવ્યું કે ચૂંટણી પંચ પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.