25 December 2017

ગાદલું ફાડી અંદર સંતાડેલા સવા લાખનાના દાગીના ચોર લઈ ગયા


એરૂ ચાર રસ્તા વિસ્તારનાં બંધ ઘરમાં તસ્કરો ત્રાટકી લાખોની માલમત્તા લઇ ગયા હતા.બે પરિવારો શીર્ડી અને અંબાજી ગયા ત્યારે તસ્કરો હાથફેરો કરી ગયાની જાણકારી મળી છે. આ અંગે મળતી જાણકારી મુજબ વિગતો જોતાં વિજલપોરને અડીને એરૂ ચાર રસ્તા વિસ્તારમાં સીતારામનગર અંકુરપાર્કમાં રહેતા હિતેશ અરવિંદભાઇ પટેલ સાડીના ભરતકામનો ધંધો કરે છે.


ઘરના પાછળનો દરવાજો ખૂલ્લો હતો
હિતેશભાઇ તા.23.12.2017 ને શનિવારે વહેલી સવારે પોતાનાં પરિવાર સાથે કાર લઇને શીર્ડી સાંઇબાબાના દર્શન કરવા ગયા હતા. શીર્ડી ફરી દર્શન કરી પરત રાત્રીના પોણા અગિયાર વાગ્યે પરત ઘરે આવવા રવાના થયા હતા. રવિવારે વહેલી સવારે પોણાં પાંચ વાગ્યે પરત ઘરે આવી ગયા હતા. ઘરનું તાળું ખોલી ઘરમાં પ્રવેશતા ઘરના બેડરૂમનો કબાટ ખૂલ્લો જણાયો હતો. અંદરનો સામાન વેરવિખેરહ તો. ઘરના પાછળનો દરવાજો ખૂલ્લો હતો,


જેથી ચોરી થયાનું જણાયું હતુ. ઘરના પહેલે બેડરૂમનો કબાટનો સામાન પણ વેરવિખેર હાલતમાં હતો. સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે હિતેશભાઇએ પોતાના ઘરમાં પલંગના ગાદલાનું ઉપરનું કાપડ કાઢી શણની બે ગાદી વચ્ચે સોનાના દાગીના મૂકેલ હતા. તે ગાદલું ફાડીને તેમાં મૂકેલ દાગીનાની ચોરી પણ તસ્કરો કરી ગયા હતા. હાલ તો જલાલપોર પોલીસ મથકમાં કરેલ ચોરીની ફરિયાદમાં 1.29 લાખ રૂપિયાની મત્તાની ચોરી થઇ હોવાનું જણાવ્યું છે.

હકીકતમાં હાલનાં સોનાના ભાવ મુજબ ચોરીનો આંક અઢી લાખ રૂપિયાથી વધુનો હોવાની શક્યતા છે. અહીં ઉલ્લેખનીય છે કે એરૂ ચાર રસ્તા વિસ્તારમાં તસ્કરોએ એક જ ઘરમાં હાથફેરો કર્યો ન હતો, બીજા એક ઘરમાં પણ પ્રવેશી ગયા હતા. સીતારામ નગરમાં જ રહેતા સુમનભાઇ ભાઠાભાઇ ચૌધરી પોતાનું ઘર બંધ કરી અંબાજી દર્શને ગયા છે. તેમના બંધ ઘરનો પણ મુખ્ય દરવાજો તોડી તસ્કરો ઘરમાં પ્રવેશી ગયા હતા.

જોકે સુમનભાઇ અંબાજીથી પરત આવ્યા ન હોઇ તેમના ઘરમાંથી તસ્કરો શું લઇ ગયા તે ચોક્કસ પણે જાણી શકાયું નથી. અહીં ઉલ્લેખનીય છે કે હિતેશભાઇએ જે રીતે દાગીના ગોદલામાં મૂક્યા હતા અને તેની તસ્કરોને જાણ થઇ દાગીનાની ચોરી થઇ તે જોતાં ચોરી કરનાર જાણભેદું હોવાની પણ શક્યતા સેવાઇ રહી છે. ચોરીના ગુનાને ઉકેલવા ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઇ હતી.

બંધ ઘરમાંથી ચોરી થયેલ ચીજવસ્તુઓ
એક સોનાનું મંગળસૂત્ર આશરે 2 તોલાનું, સોનાની જુદા-જુદા ઘાટની ચેન નંગ-5, સોનાની બંગડી નંગ-2,સોનાના લુઝ નંગ-2,જેમાં એક નાનું, સોનાની વીટી નંગ-2,સોનાની કાનમાં પહેરવાની નાની રીંગ નંગ-2, સોનાનો સેટ અઢી તોલા,રેડીમેઇડ કપડાંઓ આશરે 10 હજારના.