22 December 2017

નવસારીમાં 3 ફેબ્રુઆરી સુધી માત્ર 1 ટાઇમ પાણી


નહેરનું પાણી 50થી 55 દિવસ મળવાનું ન હોય નવસારી પાલિકાએ શહેરીજનોને અપાતા પાણીમાં ‘કાપ’ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ દિવસો દરમિયાન પાલિકા શહેરીજનોને બે ટાઈમની જગ્યાએ એક જ ટાઈમ તો પાણી આપશે, સાથોસાથ નહેરના પાણીમાં બોરવેલું પાણી પણ મિક્સ કરશે. પાણીકાપ શનિવારથી અમલી બનશે. નવસારીના શહેરીજનોને પીવાનું પાણી અહીંની નગરપાલિકા પુરું પાડે છે.

ઉકાઈ કેનાલમાં રિનોવેશન કામ શરૂ કરાતાં શહેરનાં બન્ને તળાવમાં પાણી પુરવઠો નહીં મળે 
પાલિકા ઉકાઈ કેનાલનું પાણી શહેરના દુધિયા તળાવ અને દેસાઈ તળાવમાં ઠાલવી ફિલ્ટરેશન પ્લાન્ટમાં શુદ્ધ કરી શહેરીજનોને પુરું પાડે છે. સામાન્યત: નહેરનું પાણી પાલિકાને મહિનામાં 15 દિવસ મળે છે અને 15 દિવસ રોટેશન ન હોઈ મળતું નથી. 15 દિવસ મળેલ પાણી તળાવમાં સ્ટોરેજ કરી પાલિકા 30 દિવસ લોકોને પુરું પાડે છે. જોકે આગામી દિવસોમાં શહેરીજનોને પાણી આપવાનું આયોજન ખોરવાઈ જાય એમ છે.

આ અંગે મળતી માહિતી મુજબ નવસારી પાલિકાને પાણી પુરૂં પાડતા નહેર વિભાગના અંબિકા ડિવિઝને પાલિકાને પત્ર લખ્યો છે. જેમાં 16મી ડિસેમ્બરથી 3 ફેબ્રુઆરી સુધી પાણીનું રોટેશન બંધ રાખવાનું જણાવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો આ સમય દરમિયાન (લગભગ 50 દિવસ) નવસારી પાલિકાને નહેરખાતુ પાણી આપશે નહીં. હવે પાલિકાના તળાવમાં થયેલા પાણીનો સ્ટોરેજ 22 દિવસ ચાલે એમ છે ત્યારે નહેર 50 દિવસ બંધ હોઈ બાકીના દિવસો (લગભગ 28 દિવસ) શહેરીજનોને પાણી કેવી રીતે આપવું તે પાલિકા માટે પ્રશ્ન સર્જાયો છે. આ સ્થિતિમાં પાલિકાને આગામી દિવસો માટે પાણીનું નવુ આયોજન કરવાની ફરજ પડી છે.

નવસારી પાલિકાએ કરેલા નવા આયોજન મુજબ પાલિકાએ આગામી 3 ફેબ્રુઆરી સુધી (નહેરનું પાણી પુન: મળે ત્યાં સુધી) શહેરીજનોને પાણી બે ટાઈમની જગ્યાએ એક જ ટાઈમ આપવાનો નિર્ણય કર્યો છે. વધુમાં આ સમયગાળા દરમિયાન નહેરના પાણી સાથે બોરવેલનું પાણી મિક્સ પણ કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી શહેરની વસતિ અંદાજિત 1.71 લાખની છે અને આ તમામ વસતિને પાણીકાપની અસર થશે.

નહેરને મરામત કરી પાકી કરાશે
નહેર વિભાગના અંબિકા ડિવિઝનના કાર્યપાલક ઈજનેર વી.સી. પટેલે જણાવ્યું કે આગામી 55થી 60 દિવસ નહેરનું મરામત કામ અને પાકી કરવાનું કામ હાથ ધરાઈ રહ્યું છે. જેથી આ દિવસો દરમિયાન નહેરમાંથી પાણી વહેવડાવવામાં આવશે નહીં. નવસારી પાલિકા સહિત સંબંધિત સત્તાવાળાઓને આની જાણ કરી દેવાઈ છે.

તળાવના લેવલનું રોજ મોનિટરિંગ કરાશે
નવસારીમાં નહેરના પાણીથી ભરાયેલા તળાવનું પાણી 22 દિવસ ચાલે છે. હવે નહેર 50 દિવસ બંધ રહેનાર હોય પાણીનું રોટેશન બેની જગ્યાએ એક જ ટાઈમ કરવાથી 44 દિવસ પાણી ચાલી શકે ! બીજુ કે 8 જેટલા પાલિકાના બોરવેલ પણ આ દિવસો દરમિયાન કાર્યરત કરવાથી અને બોરવેલનું પાણી મિક્સ કરવાથી 50 દિવસ શહેરીજનોને પાણી આપી શકાશે. પાણીકાપના સમયગાળા દરમિયાન તળાવના લેવલનું રોજબરોજ ઘનિષ્ટ રીતે મોનિટરિંગ કરાશે જેથી 50 દિવસથી વધુ 55-60 દિવસ પાણી કદાચ ન મળે તો તે રીતનું આયોજન કરી શકાય! - રાજુ ગુપ્તા, સિટી ઈજનેર, નવસારી પાલિકા