26 December 2017

વિજલપોરમા જનાક્રોશ: 4 વર્ષની માસૂમના બળાત્કારીને ફાંસી આપો


ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કૃત્ય વિરૂદ્ધ જનમાનસનો આક્રોશ સોમવારે માર્ગ ઉપર આવી ગયો હતો. વિજલપોરથી નીકળેલી રેલીમાં મોટીસંખ્યામાં લોકોએ જોડાઇ આરોપીને ફાંસી આપવાની માંગ કરી હતી. શુક્રવારનાં રોજ વિજલપોરનાં પૂર્વ વિસ્તારમાં રહેતી 4 વર્ષીય માસૂમ બાળાનું અપહરણ કરી વિજલપોરમાં જ રહેતા આસીફ હુસેન પઠાણ નામના યુવાને બળાત્કાર ગુર્જાયો હતો.

સોમવારે આ આક્રોશ રોડ ઉપર ઉતરી આવ્યો હતો
આ દુષ્કૃત્ય આચરનાર આરોપી આસીફ હુસેનની પોલીસે ધરપકડ તો કરી છે પરંતુ જે રીતે માસૂમ બાળા સાથે દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હતુ તે જોતાં લોકોમાં આરોપી સામે ભારે ફીટકારની અને આક્રોશની ભાવના ઉભી થઇ થઇ છે. સોમવારે આ આક્રોશ રોડ ઉપર ઉતરી આવ્યો હતો. વિજલપોરમાં ગોકુળપુરા વિસ્તાર નજીકથી વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગદળના નેજા હેઠળ રેલી નીકળી હતી. આ રેલીમાં હિન્દુ સંગઠનો ઉપરાંત અન્ય સામાજીક સંગઠનો, ભાજપના અગ્રણીઓ, કાર્યકરો જોડાયા હતા. રેલી ગોકુળપુરાથી શિવાજીચોક ત્યાંથી સરદાર ચોક, આશાપુરી મંદિર, ગોલવાડ, ટાવર, જુનાથાણા થઇ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પહોંચી હતી.

રેલીમાં લોકોએ બળાત્કારીને ફાંસી આપો જય શ્રીરામ, ભારત માતાકી જય, વંદેમાતરમનાં નારા લગાવ્યા હતા. લોકોમાં દુષ્કૃત્ય આચરનાર સામે આક્રોશ જોવા મળતો હતો.


રેલી ડીએસપી કચેરી પહોંચતા ત્યાં મહિલા અગ્રણી શીતલબેન સોનીએ આવેદનપત્રનું વાંચન કરી આવેદનપત્ર પોલીસ વડાની ગેરહાજરીમાં ડીવાયએસપી બી.એસ.મોરીને સુપરત કર્યુ હતુ. આવેદનપત્રમાં હિન્દુ સંગઠનોએ બળાત્કાર ગુજારનારને સખત સજા કરવાની માંગ કરી હતી.

સાથે ચીમકી આપી હતી કે જો પોલીસ દ્વારા નરાધમો પ્રત્યે સહાનુભૂતિ જણાશે તો ઉગ્ર આંદોલન કરવાની વિશ્વ હિન્દુ પરિષદને જરૂર પડશે. રેલીમાં વીએચપીના જિલ્લા અધ્યક્ષ કિશોર કબાટવાળા, કૈલાશ પુરોહીત અશ્વિન બારોટ, નરેશ પુરોહિત, ચેતનાબેન બિરલા, ભાજપ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

કૃત્ય કરનાર સામે કડક પગલાં લેવા માગણી

વિશ્વ હિન્દુ પરિષદનાં જીલ્લા કોષાધ્યક્ષ કિશોર કબાટવાળાએ જણાવ્યું છે કે, વિજલપોરમાં માસૂમ બાળા સાથે વિધર્મીએ કરેલ કૃત્યને તો લવજેહાદ સાથે સંબંધ નથી પરંતુ સમાજમાં વિધર્મીઓ હિન્દુ દિકરીઓને નિશાન બનાવી રહ્યાં છે. લવજેહાદનાં નામે કરાતા આવા કૃત્યને ડામવા પોલીસ તંત્રએ કડકમાં કડક પગલાં લેવા જોઇએ.

VHPની પોલીસ સામે નારાજગી
વિજલપોરથી નીકળેલી રેલી બાદ પોલીસને જે આવેદનપત્ર અપાયું તેમાં વીએચપી બજરંગદળે પોલીસતંત્ર સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. હિંદુ સંગઠનોએ જણાવ્યું કે વિજલપોરમાં અલાયદું પોલીસ સ્ટેશન હોવા છતાં અને જે વિસ્તારમાં બનાવ બનશે ત્યાં નજીક પોલીસ ચોકી હોવા છતાં પોલીસની નરાધમો પ્રત્યે પકડ રહી નથી. તેથી જ ચાર વર્ષીય બાળા ઉપર બળાત્કાર જેવા શરમજનક કૃત્યો થઇ રહ્યાં છે.