28 December 2017

'પાણી' વગરની યોજનાએ શાસકોનું પાણી માપી લીધું


24 કરોડની માતબર વિજલપોર પાલિકાની પાણીની યોજના લગભગ તૈયાર થઈ ગઈ છે પરંતુ આ યોજના માટે ક્યાંથી અને કેવી રીતે પાણી લેવુ તે જ નક્કી નથી કરી શકાયું ! લગભગ 1 લાખની વસતિ ધરાવતા વિજલપોર શહેર માટે મીઠા પાણીની યોજના બની ન હતી. જેને લઈને અહીંની પાલિકા શહેરમાં 12 બોર દ્વારા શહેરીજનોને પાણી આપી રહી છે. ચારેક વર્ષ અગાઉ સરકારે વિજલપોરની પણ પાણી યોજના મંજૂર કરી હતી.

બાર બોર વડે પાણી પહોંચાડતી પાલિકા માટે 4 વર્ષ અગાઉ યોજના મંજૂર થઈ ગઈ હતી પણ શાસકોઓ અત્યાર સુધી ફીફાં જ ખાંડ્યાં

અંદાજે 24 કરોડના ખર્ચે પાલિકાની પાણી યોજના તૈયાર થઈ છે. આ યોજનામાં તળાવનું (રામનગરનું તળાવ) ડેવલપિંગ, ફિલ્ટરેશન પ્લાન્ટ, રાઈઝીંગ મેઈન, ડિસ્ટ્રિબ્યુશન લાઈન (શહેરના અનેક વિસ્તારોમાં), સિટી ગાર્ડન નજીક એક ટાંકી વગેરેનું કામ કરવામાં આવ્યું છે. પાલિકા સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હવે યોજનાનું મહત્તમ કામ પૂર્ણ થઈ ગયું છે, ટ્રાન્સફોર્મરને લગતું કામ જ બાકી રહ્યું છે પરંતુ નોંધનીય બાબત એ છે કે આ યોજના માટે સૌથી જરૂરી ‘પાણી’ કયાંથી અને કેવી રીતે પાણી લેવું તે જ બાબત નક્કી થઈ શકી નથી. ચીફ ઓફિસર રમેશ જોષીએ જણાવ્યું કે બંને પાલિકામાં હું જ સીઓ છું તેથી આ સમસ્યાનો ઉકેલ લાવી દેવાશે.

નાગધરા યોજના ઉપર આધાર
નવસારી પાલિકાએ 15 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નાગધરા કેનાલ યોજના બનાવી હતી. આ યોજના અંતર્ગત નાગધરા ગામે કેનાલમાંથી ઠેઠ નવસારી સુધીની લાઈન નાંખી બહોળા જથ્થામાં પાણી મેળવવાની નવસારી પાલિકાની નેમ છે. આ યોજના અંતર્ગત જ નહેરનું પાણી વિજલપોર પાલિકાને પણ આપવાની વાત છે પરંતુ યોજના પૂરી થવા છતાં નવસારીને પૂરતા જથ્થામાં પાણી હજુ મળી શક્યું નથી. પાણીની લાઈનમાં લિકેજ થવાનું કારણ જણાવાય છે. જો નાગધરા યોજના થકી પૂરતુ પાણી મળી શકે તો વિજલપોરની પાણીની જરૂરિયાત પૂરી થઈ શકે એમ હોવાનું જણાવાય છે.

વિજલપોરની પાણી મેળવવાની આશા મુશ્કેલ
વિજલપોર પાલિકા પાણી માટે નવસારી પાલિકાની લાઈનમાંથી જ જે રીતે પાણી મેળવવાની આશા રાખે છે તે મુશ્કેલ છે, કારણ કે તેનાથી નવસારીને પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. નવસારીનું હિત સાચવી વિજલપોરને પાણી આપવામાં ના નથી.- રાજુ ગુપ્તા, સિટી ઈજનેર નવસારી પાલિકા

વિજલપોરનું તળાવ ગેરકાયદે ભરાયું
નવસારી પાલિકાની લાઈનમાંથી પાણી લેવાનો વિજલપોર પાલિકાએ કરાર કર્યો નથી પરંતુ એક વખત (છ મહિના અગાઉ) નવસારીની લાઈનમાંથી ટેપિંગ કરી પાણી લઈ વિજલપોરના રામનગર તળાવને ભરી દેવાયું હતું. આ વખતે ભારે ઉહાપોહ થયો હતો. કરાર ન હોવા છતાં પાણી લેવાતા નવસારી પાલિકાએ તેની લાઈનમાંથી પાણી લેતા વિજલપોર પાલિકાને અંદાજે રૂ. 8 લાખથી વધુનું પાણીનું બીલ મોકલ્યું હતું.

જોકે પાણી યોજના હજુ જીયુડીસી હસ્તક હોઈ જીયુડીસીના કર્મચારીની ભૂલના કારણે વિજલપોરનું તળાવ ભરાયાનું કારણ વિજલપોર પાલિકાએ જણાવી બીલના નાણાં આપવાની ના પાડી દીધી હતી. જોકે હજુ સુધી નવસારી પાલિકાને ઉક્ત પાણીના નાણાં જીયુડીસી પાસેથી મળ્યા નથી.

નવસારી પાલિકા સાથે ‘પાણીનો એગ્રીમેન્ટ’ બાકી
મારી જાણકારી મુજબ વિજલપોરની પાણી યોજના માટે નવસારી પાલિકા નાગધરા કેનાલમાંથી જે પાણી મેળવે છે. તેમાંથી જ પાણી લેવાનું છે. જોકે નવસારી પાલિકાને જ હાલ પાણીની તકલીફ હોવાનું જાણવા મળ્યું છે. નવસારી પાલિકા સાથે ‘પાણીનો એગ્રીમેન્ટ’ બાકી છે. - હેમાબેન ભંડારી, પ્રમુખ વિજલપોર પાલિકા