1 December 2017

ઘેલખડી રોડ ઉપર ખોદકામ બાદ પુરાણ કરાતા વાહનોને અવરજવરમાં મુશ્કેલી


ઘેલખડી ઉપર ડ્રેનેજના ભંગાણના કામ બાદ માર્ગ ઉપરનું પુરાણ યોગ્ય કરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.

નવસારી શહેરના અલ્પવિકસિત ઘેલખડી જવા માટે વિજલપોર-ઘેલખડી રોડનો ઉપયોગ કરવો પડે છે. ઘેલખડી રોડ ઉપર ગામતળાવ નજીકથી પસાર થતા રોડની નીચેથી પસાર થતી ડ્રેનેજમાં અઠવાડિયા અગાઉ ભંગાણ પડ્યું હતું. ભંગાણના મરામત માટે નવસારી પાલિકાએ માર્ગમાં ખોદકામ કરી મરામત કરવી પડી હતી. કામગીરી કરતા ઘેલખડી રોડ ઉપરની અવરજવર એક દિવસ લગભગ બંધ થઈ ગઈ હતી.

ડ્રેનેજનું ભંગાણનું કામ પુરૂં થયા બાદ થયેલા ખોદકામનું પુરાણ કરાયું હતું. જોકે પુરાણ યોગ્ય કરાઈ માર્ગ ઠીકઠાક હજુ કરવામાં આવ્યો નથી. જેને લઈને છેલ્લા એકાદ અઠવાડિયાથી ઘેલખડી રોડ ઉપરથી અવરજવર કરવામાં વાહનોને મુશ્કેલી પડી રહી છે. દ્વિચક્રી વાહનોને તો મુશ્કેલી થોડી ઓછી છે. મોટા વાહનોની મુશ્કેલી વધુ છે. માર્ગ વચ્ચે માટી વેરવિખેર પડેલી જોવા મળે છે.